દેશભરમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે.
ગયા વર્ષે કોરોના સામે લડતમાં સલમાન ખાને જરૂરિયાતમંદોને ફૂડ કીટ અને પૈસા દાનમાં આપ્યા હતા.
હવે ફરી એકવાર સલમાન મદદ માટે આગળ આવ્યો છે.
અહેવાલો અનુસાર, સલમાન ખાન ફ્રન્ટલાઈન કામદારોને ફૂડ કીટ મોકલી રહ્યો છે.
યુવા સેનાના નેતા રાહુલ કાનાલે આ અંગે માહિતી આપી છે.
રાહુલે કહ્યું કે સલમાન ફરી એકવાર પોલીસ અધિકારીઓ, બીએમસી સ્ટાફ અને આરોગ્ય કાર્યકરોની મદદ માટે આગળ આવ્યો છે
એક લોકપ્રિય અખબાર સાથે વાત કરતાં રાહુલે કહ્યું કે સલમાન જે ફૂડ કીટ આપી રહ્યો છે તેમાં મિનરલ વોટર, ચા, બિસ્કીટ અને નાસ્તાનો સમાવેશ થાય છે.
તેમાં ઉપમા, પૌંઆ, વડા પાવ અને પાવભાજી પણ શામેલ છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘અમે એક હેલ્પલાઈન નંબર પણ શરૂ કર્યો છે, જેના પર ફ્રન્ટલાઈન કાર્યકર્તાઓ ફોન કરીને મદદ માટે કહી શકે છે.
ત્યારબાદ અમે તેમના વિસ્તારમાં જઈશું અને તેમને મદદ કરીશું. સલમાનની આ વિશેષ કામગીરી બદલ આભાર. આ કામગીરી 15 મે સુધી ચાલુ રહેશે.’
રાહુલે કહ્યું કે, અત્યાર સુધી સલમાને વરલી અને જુહુમાં ફ્રન્ટલાઈન કામદારોને મદદ કરી છે અને આવતા અઠવાડિયામાં, મુંબઈના અન્ય શહેરોમાં પણ મદદનો વધારો કરવામાં આવશે.
‘ભાઈજાન’ એટલે કે સલમાન ખાનની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરતાં તેમની ફિલ્મ ‘રાધે’ નું ટ્રેલર આજે 22 એપ્રિલના રોજ રિલીઝ થશે.
તેના ચાહકો ઘણા દિવસોથી આ મૂવીની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં સલમાનની સાથે દિશા પટની, રણદીપ હૂડા અને જેકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં છે
આ ફિલ્મ તે જ દિવસે થિયેટરો અને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. 13 મેના રોજ ફિલ્મની રજૂઆત સાથે સલમાન ખાન ચાહકોને ઈદની ખાસ ગિફ્ટ આપશે.
અત્યારે સલમાન ખાનની ‘રાધે’ બોક્સ ઓફિસ પર જોન અબ્રાહમની ‘સત્યમેવ જયતે 2’ સાથે સ્પર્ધા કરવા તૈયાર છે.
‘રાધે’ 13 મેના રોજ રીલિઝ થઈ રહી છે અને ‘સત્યમેવ જયતે 2’ પણ તે જ દિવસે રિલીઝ થશે.
અગાઉ ‘સત્યમેવ જયતે 2’ 14 એપ્રિલના રોજ રીલિઝ થવાનું હતું, પરંતુ બાદમાં ફિલ્મની રિલીઝ ડેટ બદલી દેવામાં આવી હતી. બધાની નજર હવે છે કે કઈ ફિલ્મ સ્ક્રીન પર દર્શકોનું દિલ જીતે છે.