ગાંધીનગર ખાતે રાહત નિયામક સી. સી. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની મીટીંગ યોજાઈ હતી, જેમાં IMDના અઘિકારી એમ. મોહન્તીએ ચોમાસાનું ગુજરાતમાં આગમન થઇ ગયું છે તેમ જણાવતા કહ્યું કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે સમગ્ર ચોમાસા દરમિયાન 96 થી 104 ટકા વરસાદ ૫ડવાની શક્યતા રહેલી છે.
છેલ્લા 24 કલાક રાજ્યમાં થયેલ વરસાદની માહિતી આપતાં રાહત નિયામકએ જણાવ્યું હતું કે, સવારના 6.00 થી બપોરના 2.00 સુઘી રાજ્યમાં બે જિલ્લાઓના બે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં 7 મીમી. વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુઘી તા. 14/6/22 અંતિત 14.45 મીમી વરસાદ થયો છે, જે છેલ્લાં ત્રીસ વર્ષની રાજ્યની સરેરાશ 850 મીમી.ની સરખામણીએ 1.70 ટકા છે.
કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલું વર્ષે અંદાજીત 2,53,029 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા. 13/6/2022 સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 2,18,554 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 2.93% વઘુ વાવેતર થયું છે.
સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં 154915 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 46.37 ટકા છે. રાજ્યનાં 206 જળાશયોમાં 1,94,954 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના 34.93 ટકા છે. હાલમાં રાજ્યમાં બે જળાશયો વોર્નીંગ પર છે.
આ બેઠકમાં એન.ડી.આર.એફ, એસ.ડી.આર.એફ., ઉર્જા, માર્ગ અને મકાન, આરોગ્ય, વન વિભાગ, સી.ડબલ્યુ.સી, ઇસરો સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અઘિકારીઓએ ઉપસ્થિત રહી જરૂરી વિગતો પૂરી પાડી હતી.