મુંબઈ : એક તરફ લોકોને કોરોનાની રસી મળતી નથી ત્યાં થાણેમાં એક મહિલાને એક જ વખતે કોરોનાની રસી ત્રણવાર આપવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટના થાણેના આનંદનગર રસીકરણ કેન્દ્રમાં બની હોવાનું બહાર આવ્યું હતું.
આ ઘટના બાદ હાલ મહિલાની તબિયત સ્થિર છે પણ આવી બેદરકારી દાખવવા બદલ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માગણી ભાજપે કરી છે. આ ઘટના બહાર આવ્યા બાદ પાલિકા પ્રશાસને એવી ચોખવટ કરી હતી કે આ સમગ્ર પ્રકરણે તપાસ માટે એક સમિતિની નિમણૂક કરી હોઈ વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ પ્રકરણે વધુ વિગતાનુસાર થાણેના ઘોડબંદર રોડ પર આવેલ આનંદનગર આરોગ્ય કેન્દ્ર પર 25 જૂનના રોજ બપોરે એક ચોંકાવનારી ઘટના બની હતી જેમાં એક 28 વર્ષની મહિલાને કેન્દ્ર પર ઉપસ્થિત આરોગ્યકર્મીએ એક નહીં બે નહીં પણ ત્રણ રસી આપી દીધી હતી.
એક જ સમયે ત્રણ રસી આપી દેવામાં આવતા આ મહિલા ગભરાઈ ગઈ હતી અને તેણે ઘરે આવી આ વાતની જાણ તેના પતિને કરી હતી. ત્યારબાદ સ્થાનિક નગરસેવિકાને આ વાતની જાણ થતા જ તેણે પાલિકાના સંબંધિત અધિકારીને આ વાતને પૂછપરછ કરી ત્યારે તેમણે ઉડાઉ જવાબ આપ્યો હતો.
તેથી થાણે પાલિકાના અધિકારી અને ડોક્ટરો પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરતા જોવા મળી રહ્યા હોવાનો આરોપ ભાજપ તરફથી કરવામાં આવ્યો હતો. ભાજપના વિધાનસભ્ય નિરંજન ડાવખરેએ આ સમગ્ર પ્રકરણ માટે સત્તાધારી અને પાલિકા પ્રશાસન જવાબદાર હોવાનું જણાવ્યું હતું.
આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યા બાદ થાણેના મેયર નરેશ મ્હેસ્કેએ આ ઘટનાની તપાસ માટે એક સમિતિ નીમી તપાસ કરી સંબંધિતો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી હતી. એક જ મહિલાને એક સાથે ત્રણ રસી આપવામાં આવી હોવાની ગંભીર ઘટના બાદ પણ પાલિકા પ્રશાસને આ સમગ્ર પ્રકરણે ચૂપકીદી સેવી રાખી છે. આ ઘટનાને લીધે પાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે.