ધોરણ 10 ના રેગ્યુલર બાળકોને માસ પ્રમોશન આપ્યા બાદ હવે રીપીટર વિદ્યાર્થીઓની પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ તરફથી રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે અંદાજે 3.50 લાખ જેટલા રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળવું જોઈએ તેવી માંગ કરી હતી.ભાસ્કર પટેલે જણાવ્યું કે, એક વર્ગના તમામ બાળકો માટે કોઈપણ નીતિ એકસમાન હોવી જોઈએ. સરકારે અંદાજે 10 લાખ જેટલા નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું તો રીપીટર બાળકોને પણ પ્રમોશન આપવું જ જોઈએ. રીપીટર વિદ્યાર્થીઓ પણ જુદા જુદા કારણોસર પરીક્ષા આપતા હોય છે.
ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થા બે પ્રકારની છે, જેમાં નેશનલ ઓપન સ્કૂલ અને ગુજરાત ઓપન સ્કૂલ .રાજ્ય સરકારે 10 લાખ બાળકોને માસ પ્રમોશન આપ્યું છે ત્યારે આપણી પાસે હાલ 5.50 લાખ બાળકોને જ ધોરણ 11માં પ્રવેશ આપી શકાય એવી વ્યવસ્થા છે. એવામાં હાલ જે શાળામાંથી વિદ્યાર્થી પાસ થયો છે, એ જ શાળામાં ધોરણ 11માં તેને પ્રવેશ મળે એવી નીતિ બનાવવી જોઈએ.
આ વખતે એડમિશનના નિયમ બદલવા પડે એ અંગે સરકારે જલ્દી નિર્ણય લેવો જોઈએ. જે સ્કૂલમાં ધોરણ 11 ના વર્ગ નથી તે સ્કૂલમાં બે વર્ષ માટે ધોરણ 11 અને ત્યારબાદ ધોરણ 12ના વર્ગો માટે સરકાર પરવનાગી આપવી જોઈએ . ગુજરાતમાં 4300 શાળાઓ જ એવી છે જેમાં ધોરણ 11 ના વર્ગ છે. જ્યારે રમણભાઈ વોરા મંત્રી હતા તેમણે કાયદો બનાવ્યો હતો કે ધોરણ 10 ની શાળાને પૂર્ણ શાળા બનાવવામાં આવશે. એ નિયમ અનુસાર વધુમાં વધુ શાળાને ધોરણ 11ના વર્ગની પરવાનગી આ વર્ષે આપવી પડે તો સરકારે ઝડપથી પ્રક્રિયા હાથ ધરવી જોઈએ, જેથી સાયન્સ, કોમર્સ અને આર્ટ્સમાં પ્રવેશ લેવા માગતા બાળકો સરળતાથી પ્રવેશ મેળવી શકે છે.