ટ્રાઈની ડુ-નોટ-ડિસ્ટર્બ (DND) એપ સેવા આવતા વર્ષે માર્ચથી તમામ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન પર ઉપલબ્ધ થશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) DND એપમાં રહેલી બગ્સને ઠીક કરવા માટે કામ કરી રહી છે જેથી મોબાઈલ યુઝર્સને અનિચ્છનીય કોલ્સ અને મેસેજને તરત જ શોધી શકાય.
ટ્રાઈના સચિવ વી રઘુનંદને મંગળવારે એક ઈવેન્ટમાં જણાવ્યું હતું કે ટેલિકોમ રેગ્યુલેટર ગ્રાહકોને પડતી ટેક્નિકલ સમસ્યાઓના નિરાકરણ માટે DND એપમાં ખામીને દૂર કરવા માટે કામ કરી રહ્યું છે. આ માટે અમે અમારી સાથે એક એજન્સી જોડી છે. અમે માર્ચ સુધીમાં આ એપને તમામ એન્ડ્રોઇડ ફોન સાથે સુસંગત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
Appleનો ઍક્સેસ આપવાનો ઇનકાર
ટ્રાઈ સેક્રેટરીએ કહ્યું કે, એપમાં સુધારા સાથે સ્પામ કોલ અને એસએમએસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે, એપલે DND એપને કોલ ડિટેઈલની ઍક્સેસ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. Truecallerના કો-ફાઉન્ડર એલેન મામેડીએ કહ્યું કે ભારતમાં 27 કરોડ લોકો આ એપનો ઉપયોગ કરી રહ્યા છે. તેના દ્વારા દેશમાં દરરોજ લગભગ 50 લાખ સ્પામ કોલની જાણ થાય છે. હવે વૉઇસ ક્લોનિંગ અથવા મેનીપ્યુલેશન દ્વારા કરવામાં આવેલી ભૂલોને ઓળખવાનો પડકાર આવ્યો છે.