ભારતીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ વિજય હજારે ODI ટ્રોફી દરમિયાન એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વૈભવ લિસ્ટ A ક્રિકેટ રમનાર સૌથી યુવા ભારતીય બન્યો છે. 13 વર્ષીય બેટ્સમેને બિહાર અને મધ્યપ્રદેશ વચ્ચે વિજય હજારે ટ્રોફીની ગ્રુપ E મેચ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. વૈભવે 13 વર્ષ અને 269 દિવસની ઉંમરે લિસ્ટ A મેચમાં પ્રવેશ કર્યો અને અલી અકબરને પાછળ છોડી દીધો.
બિહાર હારી ગયું
મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા બિહારની ટીમ 46.4 ઓવરમાં 196 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બિહાર માટે સૌરભે અડધી સદી અને સુકાની સકીબુલ ગનીએ 48 રનની ઇનિંગ રમી હતી. જોકે, મધ્યપ્રદેશે માત્ર 25.1 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. મધ્યપ્રદેશ માટે હર્ષ ગવલીએ 63 બોલમાં 83 રનની ઇનિંગ રમી અને ટીમને છ વિકેટે જીત અપાવી.
IPLની હરાજીમાં રાજસ્થાને તેને ખરીદ્યો હતો
વૈભવ સૂર્યવંશીને IPL 2025 માટે ગયા મહિને યોજાયેલી મેગા ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે રૂ. 1.10 કરોડમાં ખરીદ્યો હતો. આ ખેલાડીની બેઝ પ્રાઈસ 30 લાખ રૂપિયા હતી અને તે તેની બેઝ પ્રાઈસ કરતા લગભગ ચાર ગણા વધુ ભાવે વેચાયો હતો. તે IPL ઓક્શન ઈતિહાસમાં વેચાયેલો સૌથી યુવા ખેલાડી બન્યો. બિહારના વૈભવે માત્ર 13 વર્ષ અને 242 દિવસની ઉંમરે IPL હરાજીમાં શોર્ટલિસ્ટ થનાર સૌથી યુવા ખેલાડી તરીકે ઈતિહાસ રચ્યો હતો.