ICC એ મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે ઈનામી રકમની જાહેરાત કરી છે. ICCએ મોટો નિર્ણય લેતા ઈનામની રકમ ગત વખત કરતા બમણી રાખી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2024 UAEની ધરતી પર આયોજિત થવાનો છે. અગાઉ તેનું આયોજન બાંગ્લાદેશમાં થવાનું હતું. પરંતુ ત્યાંની રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ICCએ તેને UAEમાં કરાવવાનો નિર્ણય કર્યો. આ વખતે T20 વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લેશે, જેનું શેડ્યૂલ ICC દ્વારા પહેલાથી જ જાહેર કરવામાં આવ્યું છે.
વિજેતાને આટલા કરોડો રૂપિયા મળશે
ICC એ મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે અંદાજે $7,958,000 (રૂ. 66,64,72,090 કરોડ) ફાળવવાની જાહેરાત કરી છે, જે છેલ્લી સિઝનની રકમ કરતાં બમણી છે. વિજેતા ઈનામી રકમમાં પણ 134%નો વધારો કરવામાં આવ્યો છે અને વિજેતા ટીમને હવે $2,340,000 (અંદાજે રૂ. 19,59,88,806 કરોડ) મળશે. જ્યારે ઉપવિજેતા ટીમને $1170000 (અંદાજે 9,79,78,432 કરોડ રૂપિયા) મળશે.
નોંધનીય છે કે, સેમી ફાઇનલિસ્ટ અને ગ્રુપ સ્ટેજ મેચના વિજેતાઓ માટે ઇનામની રકમ પણ વધારવામાં આવી છે. સેમિફાઇનલમાં હારનાર બે ટીમો US$675,000 (₹5,65 કરોડ) કમાશે, જે 2023માં US$210,000 થી 221% વધારે છે. ગ્રૂપ સ્ટેજની મેચો જીતનાર ટીમો US$31,154 લેશે.
મહિલાઓને પુરૂષો જેટલી જ ઈનામી રકમ મળશે
ICCના નિવેદન અનુસાર, મહિલા T20 વર્લ્ડ કપ 2024 એ પહેલી ICC ટૂર્નામેન્ટ હશે જેમાં મહિલાઓને પુરૂષો જેટલી ઈનામી રકમ મળશે, જે રમતના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હશે. જુલાઈ 2023માં ICCની વાર્ષિક કોન્ફરન્સમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો જ્યારે ICC બોર્ડે તેના અગાઉના નિર્ધારિત 2030 શેડ્યૂલ કરતાં સાત વર્ષ આગળ ઈનામની રકમ સમાન કરવાનો નિર્ણય કર્યો હતો. આમ ક્રિકેટ એ પ્રથમ મોટી રમત બની છે જેમાં વિશ્વ કપમાં પુરૂષો અને મહિલાઓ માટે સમાન ઈનામી રકમ હોય છે. ભારતીય પુરૂષ ટીમને આ વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા T20 વર્લ્ડ કપની વિજેતા બનવા માટે 23 લાખ 40 હજાર યુએસ ડોલરની ઈનામી રકમ મળી હતી.
T20 વર્લ્ડ કપ 2024 3 ઓક્ટોબરથી શરૂ થશે
મહિલા T20 વર્લ્ડ કપ 2024 3 ઓક્ટોબરથી UAEમાં શરૂ થશે. આમાં ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યું છે. આ ગ્રુપમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમો સામેલ છે. ગ્રુપ બીમાં દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડની ટીમો સામેલ છે.