RR vs MI: IPL 2024 ની 38મી મેચ રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો વચ્ચે રમાઈ હતી. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાન રોયલ્સનો 9 વિકેટે વિજય થયો હતો. આ મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સિઝનની 7મી જીત હાંસલ કરી હતી. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ ટીમ પ્લેઓફની ખૂબ નજીક આવી ગઈ છે. આ સાથે જ મુંબઈને આ સિઝનમાં તેની 5મી હાર મળી છે.
મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો
આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. મુંબઈએ 52 રનમાં પ્રથમ 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી તિલક વર્મા અને નેહલ વાઢેરાએ ટીમની ઇનિંગ સંભાળી અને બોર્ડ પર 179 રન બનાવ્યા. આ ઈનિંગમાં મુંબઈની ટીમ તરફથી તિલક વર્માએ સૌથી વધુ 65 રન બનાવ્યા હતા. જ્યારે નેહલ વાઢેરાએ 49 રનનું યોગદાન આપ્યું હતું. બીજી તરફ રાજસ્થાન તરફથી સંદીપ શર્માએ સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. આ સિવાય ટ્રેન્ટ બોલ્ટને 2 સફળતા મળી છે.
રાજસ્થાનના બેટ્સમેનોએ આસાનીથી લક્ષ્યનો પીછો કર્યો હતો
રાજસ્થાન રોયલ્સને 180 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ રાજસ્થાનના બેટ્સમેનો સામે આ ટાર્ગેટ નાનો સાબિત થયો. સંજુ સેમસનની ટીમે માત્ર 1 વિકેટના નુકસાને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ મેચમાં યશસ્વી જયસ્વાલના બેટમાંથી શાનદાર સદીની ઇનિંગ જોવા મળી હતી. યશસ્વી જયસ્વાલે અણનમ 104 રન બનાવ્યા હતા. જ્યારે સંજુ સેમસન 28 બોલમાં 38 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ પહેલા જોસ બટલરે 35 રનની ઇનિંગ રમી હતી. આ ત્રણ બેટ્સમેનોએ આ ટીમને જીત સુધી પહોંચાડી હતી.
મુંબઈ ઈન્ડિયન્સની સ્થિતિ 12 વર્ષ પછી પણ બદલાઈ નથી
વાસ્તવમાં, મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 2012થી જયપુરમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યું નથી. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં પણ ટીમ આ ક્રમનો અંત લાવવામાં નિષ્ફળ રહી હતી. રાજસ્થાન અને મુંબઈ વચ્ચે જયપુરમાં અત્યાર સુધીમાં 8 મેચ રમાઈ છે, જેમાંથી રાજસ્થાને 6 મેચ જીતી છે. છેલ્લી વખત આવું વર્ષ 2012માં થયું હતું, જ્યારે મુંબઈએ રાજસ્થાનને તેના હોમ ગ્રાઉન્ડ જયપુરમાં હરાવ્યું હતું.