ભારતીય ટીમને તાજેતરમાં ટેસ્ટ શ્રેણીમાં ન્યૂઝીલેન્ડના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે 24 વર્ષમાં પ્રથમ વખત ઘરઆંગણે ક્લીન સ્વીપનો સામનો કર્યો હતો. આ હારને કારણે ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન થયું છે અને તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન પણ ગુમાવવું પડ્યું છે. હવે આ હાર બાદ ટીમ ઈન્ડિયા અને BCCI વચ્ચે ઊંડી ચર્ચા ચાલી રહી છે.
વાસ્તવમાં, BCCIએ એક બેઠક યોજી હતી જેમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની 0-3થી મળેલી હારની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મુંબઈ ટેસ્ટ માટે ‘રેન્ક ટર્નર’ની પસંદગી, જસપ્રીત બુમરાહના આરામ અને ગૌતમ ગંભીરની કોચિંગ સ્ટાઈલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેપ્ટન રોહિત શર્મા, પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર અને મુખ્ય કોચ ગંભીર સહિત બીસીસીઆઈના સચિવ જય શાહ અને પ્રમુખ રોજર બિન્ની પણ હાજર હતા. ગંભીરે ઓનલાઈન મીટિંગમાં હાજરી આપી હતી.
બીસીસીઆઈના એક વરિષ્ઠ સૂત્રએ ગોપનીયતાની શરતે પીટીઆઈને જણાવ્યું કે આ 6 કલાકની મેરેથોન મીટિંગ હતી જે આવી હાર બાદ નક્કી કરવામાં આવી હતી. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહી છે અને BCCI એ સુનિશ્ચિત કરવા ઈચ્છે છે કે ટીમ પાટા પર પાછી આવે. તેમજ તે જાણવા માંગે છે કે ‘થિંક-ટેન્ક’ (ગંભીર-રોહિત-અગરકર) આ વિશે શું વિચારી રહ્યા છે.
ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ દરમિયાન કેટલાક એવા નિર્ણય લેવામાં આવ્યા હતા જેના પર હવે સવાલો ઉઠી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે BCCIના અધિકારીઓ એ વાતથી નારાજ હતા કે જસપ્રીત બુમરાહને સતત બે મેચ હારવા છતાં ત્રીજી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આ પીચો પર ભારત સારું પ્રદર્શન ન કરી રહ્યું હોવા છતાં ‘રેન્ક ટર્નર’નો વિકલ્પ પસંદ કરવો એ કેટલાક મુદ્દા છે જેની ચર્ચા કરવામાં આવી હતી.