ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટન ટેસ્ટ મેચમાં ઈંગ્લિશ બોલર સ્ટુઅર્ટ બ્રોડે શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. બ્રોડ હવે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોંઘી ઓવર ફેંકનાર બોલર બની ગયો છે. બ્રોડે ભારતની પ્રથમ ઇનિંગમાં એક ઓવરમાં 35 રન આપ્યા હતા.
જેમાંથી 29 રન ભારતના કેપ્ટન જસપ્રીત બુમરાહે ફટકાર્યા હતા. જેમાં તેણે ઓવરમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. બાકીના છ રન એક્સ્ટ્રા આવ્યા હતા.
આ પહેલા એક ઓવરમાં સૌથી વધુ રનનો રેકોર્ડ ત્રણ ખેલાડીઓના નામે હતો, જેમણે 28-28 રન આપ્યા હતા. સૌથી પહેલા 2003માં વિન્ડીઝ સામે જોહાનિસબર્ગ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાના રોબિન પીટરસને એક ઓવરમાં 28 રન આપ્યા હતા. ત્યારબાદ એન્ડરસને 2013માં અને જો રૂટે 2020માં આ કારનામું કર્યું હતું.
બુમરાહે આવી તબાહી સર્જી
પહેલા બોલ પર બુમરાહે ફાઈન લેગ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ બ્રોડનો બાઉન્સર બોલ વિકેટકીપર સેમ બિલિંગ્સની ઉપર ગયો અને કુલ પાંચ રન આવ્યા. પછી ત્રીજા બોલ પર સાત રન આવ્યા કારણ કે બુમરાહે થર્ડ મેન પર સિક્સર ફટકારી અને નો બોલ પર રન મળ્યો. આ પછી બુમરાહે સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.
ત્યારપછી ઓવરના પાંચમા બોલ પર બુમરાહે ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ પર સિક્સર ફટકારીને ઓવર 34 રન બનાવ્યા. છેલ્લા બોલ પર બ્રોડને થોડી રાહત મળી કારણ કે બુમરાહ યોર્કર બોલ પર માત્ર એક જ રન લઈ શક્યો.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન (એક ઓવર)
35 જસપ્રિત બુમરાહ વિ સ્ટુઅર્ટ બ્રોડ બર્મિંગહામ 2022*
28 બ્રાયન લારા વિ આર પીટરસન જોહાનિસબર્ગ 2003
28 જ્યોર્જ બેઈલી વિ જેમ્સ એન્ડરસન પર્થ 2013
28 કેશવ મહારાજ વિ જો રૂટ પોર્ટ એલિઝાબેથ 2020
ભારતે પ્રથમ દાવમાં 416 રન બનાવ્યા હતા
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે પ્રથમ દાવમાં 416 રન બનાવ્યા હતા. પંતે માત્ર 111 બોલમાં 146 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પંતે પોતાની ઇનિંગમાં 20 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ રવિન્દ્ર જાડેજાએ પણ શાનદાર પ્રદર્શન કરતા 104 રન બનાવ્યા હતા. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 222 રનની ભાગીદારી કરી હતી. કેપ્ટન જસપ્રિત બુમરાહ 16 બોલમાં 31 રન બનાવીને અણનમ રહ્યો હતો.