એશિયન પેરા ગેમ્સ 2023 ચીનના હાંગઝોઉમાં શરૂ થઈ ગઈ છે. એશિયન ગેમ્સની જેમ આ ઈવેન્ટમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર શરૂઆત કરી છે. આ મેગા ઈવેન્ટમાં કુલ 309 ભારતીય ખેલાડીઓએ ભાગ લીધો છે, જેમાંથી 196 પુરૂષો અને 113 મહિલા છે. એશિયન પેરા ગેમ્સમાં પુરૂષોની ઊંચી કૂદમાં ભારતે કમાલ કરી હતી. આ ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણેય મેડલ જીત્યા હતા. આ સાથે જ ક્લબ થ્રો F51માં પણ ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો હતો. આ ઈવેન્ટમાં પણ ત્રણેય મેડલ ભારતના નામે ગયા.
ભારતે મેન્સ હાઈ જમ્પ T63 અને મેન્સ ક્લબ થ્રો F51 ઈવેન્ટ્સમાં ત્રણેય મેડલ જીતીને પેરા એશિયન ગેમ્સની શાનદાર શરૂઆત કરી હતી. હાઈ જમ્પ T63માં શૈલેષ કુમારે ગોલ્ડ, મરિયપ્પન થાંગાવેલુએ સિલ્વર અને રામ સિંહ પઢિયારે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શૈલેષ કુમાર એશિયન પેરા ગેમ્સના 1.82 મીટરના રેકોર્ડ સાથે પ્રથમ ક્રમે રહ્યો હતો, જ્યારે દેશબંધુ મરિયપ્પન થાંગાવેલુએ 1.80 મીટર અને ગોવિંદભાઈ રામસિંગભાઈ પઢિયારે 1.78 મીટર કૂદકો લગાવ્યો હતો.
પુરૂષોની ક્લબ થ્રો F51 ઇવેન્ટમાં, સુરમાએ ગોલ્ડ મેડલ જીતવા માટે 30.01m નો એશિયન પેરા ગેમ્સ રેકોર્ડ બનાવ્યો, જ્યારે ધરમબીર (28.76m) અને અમિત કુમાર (26.93m) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા. બીજી તરફ, મોનુ ઘંગાસે પુરૂષોના શોટ પુટ F11 ઈવેન્ટમાં 12.33 મીટરના પ્રયાસ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે, મહિલા કેનો VL2 ઇવેન્ટમાં, પ્રાચી યાદવે 1:03.147ના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.