ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચેની ODI શ્રેણીની ત્રીજી મેચ વડોદરામાં રમાઈ હતી. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને સિરીઝમાં 3-0થી વ્હાઈટવોશ કર્યું છે. ટીમ ઈન્ડિયાએ ત્રીજી મેચ 5 વિકેટે જીતી લીધી હતી. દીપ્તિ શર્માએ આ મેચ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્રીજી મેચમાં દીપ્તિએ શાનદાર બોલિંગ કરી અને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો.
ભારતે આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 38.5 ઓવરમાં માત્ર 162 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી બેટિંગ કરતી વખતે ચિનેલ હેનરીએ સૌથી વધુ 61 રનની ઈનિંગ્સ રમી હતી. ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગ કરતી વખતે દીપ્તિ શર્માએ સૌથી વધુ 6 વિકેટ લીધી હતી. આ સિવાય રેણુકા સિંહે 4 વિકેટ લીધી હતી.
163 રનના લક્ષ્યનો પીછો કરવા આવેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની શરૂઆત પણ ખાસ રહી ન હતી. ટીમ ઈન્ડિયાએ 55 રનમાં પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય ટીમે આ લક્ષ્યાંક 28.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી બેટિંગ કરતા દીપ્તિ શર્માએ સૌથી વધુ 39 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય કેપ્ટન હરમનપ્રીત કૌરે 32 રન બનાવ્યા હતા. જ્યારે જેમિમાએ 29 રનની ઇનિંગ રમી હતી. જ્યારે રિચા ઘોષ 29 રન બનાવીને અણનમ રહી હતી.
દીપ્તિ શર્માએ ઈતિહાસ રચ્યો છે
આ મેચમાં દીપ્તિ શર્માએ 6 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. હવે દીપ્તિ ODI ક્રિકેટમાં સૌથી વધુ 5 વિકેટ લેનારી પ્રથમ ભારતીય મહિલા બોલર બની ગઈ છે. ODI ક્રિકેટમાં તેના નામે ત્રણ પાંચ વિકેટ છે.