ભારતીય મહિલા ટીમને બ્રિસ્બેનમાં રમાનારી બીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ દ્વારા કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાને 372 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો, જેનો પીછો કરતી વખતે ભારતીય ટીમ શરૂઆતમાં જ ખોવાઈ ગઈ હતી. ટીમે પ્રથમ 4 વિકેટ ઝડપથી ગુમાવી દીધી, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ ભારતને મેચમાં વાપસી કરવાની તક આપી ન હતી.
ભારતીય મહિલા ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો
બ્રિસ્બેનમાં રમાનારી આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરતા 371 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટના નુકસાન પર 371 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે જ્યોર્જિયા વોલ અને એલિસ પેરીએ શાનદાર સદી ફટકારીને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. જવાબમાં ભારતીય ટીમ 249 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
મેન્સ ટીમ પણ મેચ હારી ગઈ હતી
આ પહેલા ભારતીય પુરુષ ટીમને પણ યજમાન ટીમના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટ મેચમાં હરાવ્યા બાદ બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના ઈરાદા ઉંચા હતા પરંતુ ઓસ્ટ્રેલિયાએ શાનદાર વાપસી કરીને ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હરાવ્યું હતું. એટલું જ નહીં, WTC પોઈન્ટ ટેબલમાં પણ ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયા હવે નંબર વન પર પહોંચી ગયું છે. આ સાથે ટીમ ઈન્ડિયા સીધા ત્રીજા સ્થાને સરકી ગઈ છે.