ભારતે ત્રણ T20 શ્રેણીની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડને 50 રને હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લિશ ટીમ 148 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતની જીતમાં હાર્દિક પંડ્યાની ભૂમિકા સૌથી મહત્વની રહી હતી. તેણે તેની T20 કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી હતી. તે બાદ બોલિંગમાં પણ હાર્દિક પંડ્યાએ 4 વિકેટ ઝડપી હતી. ભારતની જીતમાં હાર્દિક પંડ્યા ઉપરાંત અર્શદીપ સિંહે પણ મહત્વનું યોગદાન આપ્યુ હતુ. અર્શદીપે ડેબ્યૂ મેચમાં જ પ્રથમ ઓવર મેઇડન નાખી હતી. અર્શદીપે 3.3 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
અર્શદીપને ડેથ ઓવર સ્પેશ્યાલિસ્ટ માનવામાં આવે છે. ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટી-20માં તેણે નવા બોલથી સારી બોલિંગ કરી હતી. IPL 2022માં તેના શાનદાર પ્રદર્શન બાદ અર્શદીપને દક્ષિણ આફ્રિકા સામેની પાંચ T20 મેચની શ્રેણી માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. જોકે, તેને તે શ્રેણીમાં રમવાની તક મળી ન હતી. તે આયર્લેન્ડ સામેની બીજી T20I શ્રેણીમાં પણ બેન્ચ પર રહ્યો હતો. જોકે, ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટી20માં ભારત તરફથી રમવાનું તેનું સપનું સાકાર થયું. પરંતુ, ડેબ્યૂ ટી20માં તેના શાનદાર પ્રદર્શન છતાં તે આગામી 2 ટી20 રમી શકશે નહીં, કારણ કે તેને બીજી અને ત્રીજી ટી20 માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. એજબેસ્ટન ટેસ્ટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરનાર જસપ્રીત બુમરાહ બીજી ટી20માં ટીમમાં વાપસી કરશે.
IPLમાં અર્શદીપની ઈકોનોમી શાનદાર રહી હતી
ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ ડેથ ઓવરમાં સતત યોર્કર ફેંકી શકે છે. IPL 2022માં તેણે આ હથિયારથી દિગ્ગજ બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. તેણે 37 IPL મેચમાં 40 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે 8.35ની ઈકોનોમી સાથે રન આપ્યા છે.