પર્થમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે યશસ્વી જયસ્વાલે બેટિંગ કરીને રેકોર્ડ બનાવ્યા છે. ભારતના યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઓસ્ટ્રેલિયામાં ખૂબ જ ખરાબ ડેબ્યૂ કર્યું હતું. પર્થ ટેસ્ટની પહેલી જ ઇનિંગમાં જયસ્વાલ ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી જે થયું તે હવે ઈતિહાસમાં નોંધાઈ ગયું છે. પ્રથમ દાવની નિષ્ફળતામાંથી બોધપાઠ લઈને યશસ્વી જયસ્વાલે બીજી ઈનિંગમાં વિસ્ફોટક બેટિંગ કરી અને શાનદાર સદી ફટકારી.
જયસ્વાલે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 205 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ રીતે, તે ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમીને સદી ફટકારનાર ભારતનો ત્રીજો બેટ્સમેન બન્યો. આ પહેલા ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં માત્ર બે બેટ્સમેનોએ સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયામાં 47 વર્ષ બાદ આવું બન્યું છે જ્યારે કોઈ ભારતીય બેટ્સમેને ઓસ્ટ્રેલિયાની ધરતી પર પોતાની પ્રથમ ટેસ્ટ રમતા શાનદાર સદી ફટકારી છે. આ પહેલા સુનીલ ગાવસ્કરે 1977માં બ્રિસ્બેનમાં રમાયેલી ટેસ્ટ મેચમાં આ કારનામું કર્યું હતું. તે જ સમયે, આ પરાક્રમ સૌપ્રથમ 1968માં મોટાગનાહલ્લી જયસિમ્હાએ કર્યું હતું.
જયસ્વાલે 150 રન બનાવ્યા હતા
જયસ્વાલની સદીની મદદથી ભારતીય ટીમે પર્થ ટેસ્ટમાં ત્રીજા દિવસે લંચ સુધી બીજા દાવમાં એક વિકેટે 275 રન બનાવીને યજમાન ટીમ સામે તેની કુલ લીડ વધારીને 321 રન કરી દીધી હતી. ભારતે ત્રીજા દિવસે સવારના સેશનમાં લોકેશ રાહુલ (77)ના રૂપમાં એકમાત્ર વિકેટ ગુમાવી હતી. લંચ પછી પણ જયસ્વાલની શાનદાર રમત ચાલુ રહી અને તેણે ટૂંક સમયમાં જ પોતાના 150 રન પૂરા કરી લીધા. તેણે 275 બોલમાં 150 રનના આંકડાને સ્પર્શ કર્યો હતો. આ રીતે, તે 23 વર્ષની ઉંમર પહેલા ટેસ્ટમાં સૌથી વધુ 150+ સ્કોર બનાવનાર બેટ્સમેનોની યાદીમાં જાવેદ મિયાંદાદ, ગ્રીમ સ્મિથ અને સચિન તેંડુલકરના સ્તરે પહોંચી ગયો.
23 વર્ષની ઉંમર પહેલા ટેસ્ટમાં 150+નો સર્વોચ્ચ સ્કોર બનાવનાર બેટ્સમેન
8 – ડોન બ્રેડમેન
4 – જાવેદ મિયાંદાદ
4 – ગ્રીમ સ્મિથ
4 – સચિન તેંડુલકર
4- યશસ્વી જયસ્વાલ
આટલું જ નહીં, જયસ્વાલ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ 4 સદીમાં 150 કે તેથી વધુ રન બનાવનાર માત્ર બીજો બેટ્સમેન બન્યો છે. આ પહેલા માત્ર દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ જ આ સિદ્ધિ મેળવી શક્યા હતા. જયસ્વાલ આ વિશેષ ક્લબમાં સામેલ થનાર વિશ્વનો બીજો અને ભારતનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. 161 રનના સ્કોર પર લંચ બાદ જયસ્વાલ મિચેલ માર્શનો શિકાર બન્યો હતો.