વર્ષ 2024 T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે ખૂબ જ ખાસ રહ્યું. તે ટીમ ઈન્ડિયા માટે પણ ખાસ હતું, કારણ કે ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો, જેની ફાઈનલ મેચ 9 જૂને રમાઈ હતી. હવે વર્ષના અંત પહેલા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ એક ખાસ યાદી જાહેર કરી છે, જેમાં પાકિસ્તાનના બાબર આઝમ, ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ, ઝિમ્બાબ્વેના સિકંદર રઝા અને ભારતના અર્શદીપ સિંહનો સમાવેશ થાય છે. આ ચાર ખેલાડીઓના નામ ICC મેન્સ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યરના ખિતાબની રેસમાં સામેલ છે, જેના માટે વોટિંગ ચાલી રહ્યું છે.
બાબર આઝમ (પાકિસ્તાન)
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે 2024માં 738 રન બનાવ્યા અને ટીમનો સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન બન્યો. તેણે 24 મેચમાં છ અડધી સદી ફટકારી હતી. આયર્લેન્ડ પ્રવાસ પર તેની 75 રનની ઈનિંગ્સ, જેમાં તેણે 178.57ના સ્ટ્રાઈક રેટથી સ્કોર કર્યો હતો, તે વર્ષના શ્રેષ્ઠ પ્રદર્શનમાંનો એક છે.
ટ્રેવિસ હેડ (ઓસ્ટ્રેલિયા)
ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડે 2024માં T20 ક્રિકેટમાં પોતાની બેટિંગ કુશળતા બતાવી હતી. તેણે 15 મેચમાં 178.47ની સ્ટ્રાઈક રેટથી 539 રન બનાવ્યા. જેમાં ચાર અડધી સદી સામેલ છે. ઈંગ્લેન્ડ સામે તેની 59 રનની ઈનિંગ્સ આ વર્ષની સૌથી આક્રમક ઈનિંગ્સમાંથી એક હતી.
સિકંદર રઝા (ઝિમ્બાબ્વે)
ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝાએ તેની ટીમને ઘણી યાદગાર જીત અપાવી હતી. 2024માં, તેણે 146.54ની સ્ટ્રાઈક રેટથી 573 રન બનાવ્યા અને 22.25ની બોલિંગ એવરેજથી 24 વિકેટ લીધી. ભારત સામે તેની 3/25ની બોલિંગ અને કેપ્ટનશિપના કારણે ટીમને 13 રનથી આશ્ચર્યજનક જીત મળી હતી. 39 વર્ષની ઉંમરે પણ રઝાનું પ્રદર્શન તેનો અનુભવ અને રમત પ્રત્યેનું સમર્પણ દર્શાવે છે.
અર્શદીપ સિંહ (ભારત)
ભારતના યુવા ઝડપી બોલર અર્શદીપ સિંહે 2024માં પોતાની શાનદાર બોલિંગથી ક્રિકેટ પ્રેમીઓને પ્રભાવિત કર્યા હતા. વર્ષ 2024માં તેણે 18 મેચમાં 13.5ની એવરેજથી 36 વિકેટ ઝડપી હતી. ખાસ કરીને T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં તેની ઘાતક બોલિંગે ભારતને બીજી વખત ટાઈટલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની સૌથી યાદગાર ઇનિંગ 19મી ઓવરમાં જોવા મળી હતી, જ્યારે તેણે માત્ર ચાર રન આપીને વિરોધી ટીમ પર દબાણ બનાવ્યું હતું.