ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રાજકોટના મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, સ્કોર માત્ર 33 થયો ત્યાં સુધી ભારતીય ટીમે પ્રથમ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને રજત પાટીદારની વિકેટ સામેલ છે. આ પછી રવિન્દ્ર જાડેજા બેટિંગ કરવા મેદાનમાં આવ્યો અને તેણે કેપ્ટન રોહિત શર્મા સાથે માત્ર ઇનિંગ્સ જ સંભાળી નહીં પરંતુ ચોથી વિકેટ માટે 204 રનની રેકોર્ડ ભાગીદારી પણ કરી.
મોહમ્મદ અઝહરુદ્દીન અને મોહિન્દર અમરનાથની ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો
ઈંગ્લેન્ડ સામેની આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચમાં ભારતીય ટીમ તરફથી એક પણ સદીની ભાગીદારી જોવા મળી નથી. રાજકોટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ મળીને 204 રનની ભાગીદારી કરીને 39 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ દ્વારા ચોથી વિકેટ માટે આ ત્રીજી સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા વર્ષ 1985માં ચેન્નાઈના મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચમાં મોહમ્મદ અઝહરુદ્દીન અને મોહિન્દર અમરનાથ વચ્ચે ચોથી વિકેટ માટે 190 રનની ભાગીદારી જોવા મળી હતી.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી વિકેટ માટે સૌથી વધુ રનની ભાગીદારી
- સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી, હેડિંગલી ટેસ્ટ મેચ (2002) – 249 રન
- વિજય માંજરેકર અને વિજય હજારે, હેડિંગલી ટેસ્ટ મેચ (વર્ષ 1952) – 222 રન
- રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા, રાજકોટ ટેસ્ટ મેચ (વર્ષ 2024) – 204 રન
- મોહમ્મદ અઝહરુદ્દીન અને મોહિન્દર અમરનાથ, ચેન્નાઈ ટેસ્ટ મેચ (વર્ષ 1985) – 190 રન
- મોહમ્મદ અઝહરુદ્દીન અને સંજય માંજરેકર, ઓલ્ડ ટ્રેફોર્ડ (1990) – 189 રન
2019 પછી ટેસ્ટમાં ઘરઆંગણે ચોથી વિકેટ માટે પ્રથમ બેવડી સદીની ભાગીદારી
2019 પછી ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ માટે ચોથી વિકેટ માટે આ પ્રથમ બેવડી સદીની ભાગીદારી છે. આ પહેલા રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં ચોથી વિકેટ માટે અજિંક્ય રહાણે અને રોહિત શર્મા વચ્ચે 267 રનની ભાગીદારી જોવા મળી હતી.