ચેન્નાઇ સુપર કિંગ્સનું આઇપીએલ 2022માં પ્રદર્શન ઘણુ ખરાબ રહ્યુ હતુ. ચાર વખતની ચેમ્પિયન ટીમમાં આઇપીએલ 2022 હરાજી બાદ કેટલાક બદલાવ થયા હતા અને એમએસ ધોનીએ કેપ્ટન પદેથી હટવુ પડ્યુ હતુ. આઇપીએલની 15મી સીઝન શરૂ થયા પહેલા ધોનીએ કેપ્ટન પદેથી હટવાનો નિર્ણય કર્યો હતો અને જાડેજાને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે, કેટલીક મેચમાં ચેન્નાઇએ હારનો સામનો કરવો પડ્યો હતો અને પછી અચાનક ફ્રેન્ચાઇઝીએ જાહેરાત કરી કે એક વખત ફરી ધોની ટીમની કમાન સંભાળશે. જાડેજાને પોતાની રમત પર ધ્યાન આપવા માટે કેપ્ટન પદેથી હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કેટલીક મેચ બાદ જાડેજા ઇજાને કારણે ટૂર્નામેન્ટની બહાર થઇ ગયો હતો અને અટકળો લાગતી હતી કે ચેન્નાઇ સુપરકિંગ્સ મેનેજમેન્ટ અને રવિન્દ્ર જાડેજા વચ્ચે બધુ બરાબર નથી. હવે જાડેજા દ્વારા સીએસકે સાથે જોડાયેલી ઇંસ્ટાગ્રામ પોસ્ટ ડિલેટ કર્યા બાદ ફરી એક વખત ટકરાવના સમાચાર સામે આવ્યા છે.
ચેન્નાઇ સુપરકિંગ્સના પૂર્વ કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આઇપીએલ ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સની 2021 અને 2022 સબંધિત તમામ પોસ્ટ હટાવી દીધી છે. ફેન્સનું માનવુ છે કે જાડેજા દ્વારા પોસ્ટ હટાવવાનો અર્થ સીએસકે મેનેજમેન્ટ અને જાડેજા વચ્ચે હજુ પણ ટકરાવ છે. જાડેજાના નેતૃત્વમાં ચેન્નાઇએ 8 મેચમાં 6 મેચ ગુમાવી હતી. જાડેજાએ આ દરમિયાન ખુદ ખરાબ પ્રદર્શન કરી રહ્યો હતો, તેણે 10 મેચમાં માત્ર 116 રન બનાવ્યા હતા અને 5 વિકેટ ઝડપી હતી.
એક યૂઝરે ટ્વીટ કર્યુ, રવિન્દ્ર જાડેજા 2023 સીઝન માટે સીએસકેને છોડી દેશે. સીએસકે સબંધિત લગભગ દરેક પોસ્ટને હટાવી દીધી છે. દીપક ચહર અને અંબાતી રાયૂડુ વિશે પણ સાંભળી રહ્યા છીએ પરંતુ આ બન્નેની પૃષ્ટી થઇ શકી નથી.
રવિન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રિશેડ્યૂલ ટેસ્ટ મેચ દ્વારા ક્રિકેટના મેદાન પર ફરી વાપસી કરી હતી. આ ટેસ્ટમાં તેને શાનદાર સદી ફટકારી હતી. બીજી તરફ આઇપીએલમાં થયેલા વિવાદને લઇને જાડેજાને જ્યારે પૂછવામાં આવ્યુ તો તેને કહ્યુ, જે થઇ ગયુ, તે થઇ ગયુ. આઇપીએલ મારા મગજમાં નહતી. જ્યારે પણ તમે ભારત માટે રમી રહ્યા છો તો તમારૂ પુરૂ ધ્યાન ભારતીય ટીમ પર હોવુ જોઇએ. મારી માટે આવુ જ હતુ, ભારત માટે સારૂ પ્રદર્શન કરતા સારી કોઇ સંતૃષ્ટી નથી.