IPL 2024: ઓસ્ટ્રેલિયન ટીમના વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડે રેડ બોલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. વેડ તેની છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ તાસ્માનિયાની ટીમ સામે 21 થી 25 માર્ચ દરમિયાન યોજાનારી વર્તમાન શેફિલ્ડ શિલ્ડ સિઝનની અંતિમ મેચમાં રમશે. આ મેચમાં તેની ટીમ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની ટીમ સામે ટકરાશે જે પર્થના મેદાન પર રમાશે. આ ફાઈનલ મેચમાં રમવાના કારણે, વેડ આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 17મી સિઝનની પ્રથમ 2 મેચમાં રમતા જોવા મળશે નહીં જેમાં તે ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ છે.
હું સફેદ બોલની ક્રિકેટ રમવાનું ચાલુ રાખીશ
મેથ્યુ વેડે પોતાના નિર્ણય સાથે સ્પષ્ટ કરી દીધું છે કે તે ઓસ્ટ્રેલિયા માટે મર્યાદિત ઓવરની ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. એવું માનવામાં આવે છે કે મેથ્યુ વેડ જૂનમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમનો પણ ભાગ હશે. હોબાર્ટમાં જન્મેલા વેડ 4 વખત શિલ્ડ ટાઈટલ જીતી ચૂક્યા છે, જેમાંથી તેની કેપ્ટનશિપમાં બે વખત આ સિદ્ધિ હાંસલ કરી છે. જો કે, પોતાની હોમ સ્ટેટ ટીમ માટે રમતી વખતે, વેડ એકવાર પણ આ ટ્રોફી જીતવામાં સફળ રહ્યો નથી.
ઈએસપીએન ક્રિકઈન્ફોમાં પ્રકાશિત મેથ્યુ વેડના નિવેદનમાં તેણે આ નિર્ણય અંગે કહ્યું કે સૌથી પહેલા હું મારા પરિવાર, પત્ની અને બાળકોનો આભાર માનું છું. મેં ક્રિકેટના લાંબા ફોર્મેટના પડકારોનો સંપૂર્ણ આનંદ માણ્યો છે, હું સફેદ-બોલ ક્રિકેટ રમવાનું ચાલુ રાખીશ પરંતુ મારી કારકિર્દીની સૌથી યાદગાર ક્ષણ હંમેશા એ રહેશે જ્યારે મેં બેગી ગ્રીન કેપ પહેરી અને મારા દેશ માટે રમી.
વેડના નામે ટેસ્ટ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આવો રેકોર્ડ હતો
મેથ્યુ વેડને ઓસ્ટ્રેલિયા માટે 36 ટેસ્ટ મેચ રમવાની તક મળી, જે તેણે 2012 થી 2021 વચ્ચે રમી હતી. આ સમયગાળા દરમિયાન વેડે 29.87ની એવરેજથી 1613 રન બનાવ્યા છે. વેડના નામે ટેસ્ટ ક્રિકેટમાં 4 સદી અને 5 અડધી સદી છે. જ્યારે વેડે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 165 મેચમાં 40.81ની એવરેજથી 9183 રન બનાવ્યા છે. શેફિલ્ડ શીલ્ડની ફાઇનલ મેચની સમાપ્તિ પછી તરત જ વેડ IPLની 17મી સિઝનમાં ગુજરાત ટાઇટન્સ ટીમ સાથે જોડાશે, જેમાં તે પ્રથમ બે મેચમાં અનુપલબ્ધ રહેશે તે નિશ્ચિત માનવામાં આવે છે.