T20 World Cup 2024: બાંગ્લાદેશે નેપાળની ટીમને 21 રને હરાવ્યું છે. આ મેચ જીતીને બાંગ્લાદેશની ટીમ સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. દરમિયાન, નેધરલેન્ડ્સની આશા ઠગારી નીવડી છે અને તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. હવે બાંગ્લાદેશની ટીમ 22 જૂને સુપર-8માં ભારત સામે ટકરાશે. નેપાળ સામે પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 106 રન બનાવ્યા હતા. જેના જવાબમાં નેપાળની ટીમ 85 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
નેપાળની શરૂઆત ખરાબ રહી હતી
નાના લક્ષ્યનો પીછો કરતી વખતે નેપાળની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે કુશલ ભુર્તેલ માત્ર ચાર બનાવીને આઉટ થયો હતો. આ પછી અનિલ કુમાર ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન રોહિત પૌડેલ અને સુદીપ જોરા પણ મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા. કુશલ મલ્લ અને દીપેન્દ્ર સિંહ એરીએ થોડો સમય વિકેટ પર રહેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મુસ્તાફિઝુર રહેમાને આ બંને ખેલાડીઓને આઉટ કરીને નેપાળના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી. કુશલે 27 રન અને દીપેન્દ્રએ 25 રન બનાવ્યા હતા. નેપાળને જીતવા માટે છેલ્લી ઓવરમાં 22 રનની જરૂર હતી. પરંતુ તે પછી સોમપાલ કામી પહેલા જ બોલ પર આઉટ થયો હતો. આ પછી અવિનાશ બોહરા બીજા બોલ પર આઉટ થયો હતો. નેપાળની આખી ટીમ માત્ર 85 રન બનાવી શકી હતી.
આ રીતે બાંગ્લાદેશના બોલરોએ T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઓછા 107 રનનો બચાવ કર્યો છે અને દક્ષિણ આફ્રિકાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આફ્રિકન ટીમે T20 વર્લ્ડ કપ 2024માં જ બાંગ્લાદેશ સામે 114 રનના ટાર્ગેટનો બચાવ કર્યો હતો. નેપાળ સામેની મેચમાં બાંગ્લાદેશ તરફથી તન્ઝીમ હસન શાકિબે ચાર વિકેટ ઝડપી હતી. તે ટીમ માટે સૌથી મોટો હીરો સાબિત થયો હતો. તેના સિવાય મુસ્તાફિઝુર રહેમાને મેચમાં 3 વિકેટ ઝડપી હતી.
નેપાળના ચાર બોલરોએ 2-2 વિકેટ ઝડપી હતી
બાંગ્લાદેશ સામેની મેચમાં નેપાળના કેપ્ટન રોહિત પૌડેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નેપાળના બોલરોએ સારી બોલિંગનું ઉદાહરણ રજૂ કર્યું અને બાંગ્લાદેશના બેટ્સમેનોને મોટા ફટકા મારવા દીધા નહીં. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હાસે સૌથી વધુ 17 રન બનાવ્યા હતા. લિટન દાસે 10 રન અને મહમુદુલ્લાહે 13 રનનું યોગદાન આપ્યું હતું. નેપાળ તરફથી સોમપાલ કામી, દીપેન્દ્ર સિંહ એરી, રોહિત પૌડેલ, સંદીપ લામિછાનેએ 2-2 વિકેટ લીધી હતી. નેપાળના બોલરોના કારણે બાંગ્લાદેશની ટીમ મોટો સ્કોર કરી શકી ન હતી અને સમગ્ર ટીમ 106 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.