ભારતને શુક્રવારે (29 સપ્ટેમ્બર) ટેનિસમાં સિલ્વર મેડલ મળ્યો. રામકુમાર રામનાથન અને સાકેત માયનેનીની પુરુષ જોડી ડબલ્સની ફાઇનલમાં હારી ગઈ હતી. બંનેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ભારતીય જોડીને ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેની સુ યુ સિયુ અને જેસન જંગે સીધા સેટમાં હાર આપી હતી. આ વખતે ટેનિસમાં ભારતનો આ પહેલો મેડલ છે. ભારતે 2018માં જકાર્તામાં ત્રણ મેડલ જીત્યા હતા. બીજી તરફ અનુભવી ખેલાડીઓ રોહન બોપન્ના અને રૂતુજા ભોસલેની જોડી મિક્સ ડબલ્સની ફાઇનલમાં પહોંચી હતી. આ બંનેએ દેશ માટે સિલ્વર મેડલ સુનિશ્ચિત કર્યો હતો.
હસુ (182) અને જંગ (231), બંને બિનક્રમાંકિત ચાઈનીઝ તાઈપેઈ ટીમના સભ્યોની સિંગલ્સ રેન્કિંગ વધુ સારી હતી, જે તેમની રમતમાં પણ પ્રતિબિંબિત થઈ હતી. તેઓએ બીજી ક્રમાંકિત ભારતીય જોડીને 6-4, 6-4થી પરાજય આપ્યો હતો. એશિયન ગેમ્સમાં રામકુમારનો આ પહેલો અને માયનેનીનો ત્રીજો મેડલ છે. માયનેનીએ 2014 ઇંચિયોન ગેમ્સમાં સતનામ સિંઘ સાથે મેન્સ ડબલ્સમાં સિલ્વર અને સાનિયા મિર્ઝા સાથે મિક્સ્ડ ડબલ્સ ગોલ્ડ જીત્યો હતો.
રોહન અને રૂતુજા પાસેથી સોનાની આશા
રોહન બોપન્ના અને રૂતુજા ભોસલેએ મિક્સ્ડ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. બંને પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા છે. રોહન અને રુતુજાએ સેમિફાઈનલમાં ચાઈનીઝ તાઈપેઈના ચેન હાઓ ચિંગ અને યૂ સિયૂ સુને હરાવ્યા હતા.