શિખર ધવનની આગેવાનીમાં મર્યાદિત ઓવરની શ્રેણી માટેની ટીમ શ્રીલંકા પ્રવાસ ખેડનારી છે. જે પ્રવાસ માટે ઝડપી બોલર ભૂવનેશ્વર કુમારને વાઈસ કેપ્ટન તરીકે પંસદ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમ મુંબઈથી 28 જૂને શ્રીલંકાના પ્રવાસ માટે રવાના થનાર છે. જ્યાં બંને ટીમો વચ્ચે 3-3 મેચોની વ્હાઈટ બોલ શ્રેણી રમાનારી છે.શ્રીલંકા પ્રવાસે જતા પહેલા બીસીસીઆઈએ કેપ્ટન અને વાઈસ કેપ્ટનની તસ્વીર શેર કરી છે. જેમાં તે બંને ખેલાડીઓ પ્લેસ્ટેશનમાં ફુટબોલની એક મેચ રમતા નજર આવી રહ્યા છે. આ દરમ્યાન બંને ખેલાડીઓ ધ્યાનપૂર્વક આ મેચમાં એકબીજાને પડકાર આપતા નજર આવી રહ્યા છે. જેની કેપ્શનમાં બોર્ડે ફેન્સને એક સવાલ પણ પૂછી લીધો છે કે કોણ જીતી રહ્યું છે આ મેચ, શિખર ધવન કે ભૂવનેશ્વર કુમાર.
ભારતીય ટેસ્ટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડમાં રજાઓ ગાળી રહી છે. જ્યારે બીજી ટીમ એટલે કે મર્યાદિત ઓવર માટે શ્રીલંકા પ્રવાસ ખેડનારી ભારતીય ટીમ. જૂલાઈ માસ દરમ્યાન ભારતની બે જુદી જુદી ટીમો, એક સમયે બે જુદા જુદા દેશમાં પ્રવાસ પર હશે. શ્રીલંકા પ્રવાસ ખેડનારી ટીમ હાલમાં મુંબઈમાં BCCIના બાયોબબલ હેઠળ છે. જ્યાં હાલમાં ટીમ પ્રવાસની પૂર્વ તૈયારીઓ કરી રહી છે. સાથે જ એકઠા થઈને રહેવાનો આંનદ પણ ટીમ ઉઠાવી રહી છે. આવી જ તસ્વીર BCCIએ શેર કરી છે.
બંને ટીમો વચ્ચે ત્રણ વન ડે મેચોની સિરીઝ 13 જૂલાઈથી શરુ થનાર છે. જેની તમામ મેચ કોલંબોના પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાનાર છે. ટીમના મોટાભાગના સિનીયર અને મહત્વના ખેલાડીઓ ઈંગ્લેન્ડ પ્રવાસે છે. જેને લઈને બીસીસીઆઈએ શ્રીલંકા પ્રવાસ માટેની ટીમમાં યુવા ચહેરાઓનો સમાવેશ કર્યો છે. પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રાવિડ શ્રીલંકા પ્રવાસે જનારી ટીમના મુખ્ય કોચ તરીકે ટીમ સાથે રહેશે. 25 સભ્યોની ટીમ અને 20 સભ્યોનો સપોર્ટ સ્ટાફ શ્રીલંકા માટે સોમવારે રવાના થશે.