વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં મળેલી હાર બાદ વિરાટ કોહલીને કેપ્ટન તરીકે હટાવવાની માગે જોર પકડ્યું છે. જો કે ગ્રીમ સ્વાનનું માનવું છે કે કોહલીને હજુ પણ ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે યથાવત રાખવો જોઈએ.
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતના રકાસ બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલી પર ગાજ પડી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. એટલે કે કોહલી પાસેથી કેપ્ટનશિપ છીનવવામાં આવી શકે છે. ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ સ્પિનર ગ્રીમ સ્વાને કહ્યું છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં હાર બાદ પણ વિરાટ કોહલીને ભારતીય ટીમની કેપ્ટનશિપમાંથી ન હટાવવો જોઈએ. સ્વાનના જણાવ્યા મુજબ કોહલીને કેપ્ટન તરીકે હટાવવો તે ક્રિકેટ વિરૂદ્ધ એક મોટો ગુનો ગણાશે.
વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ ફરી એક વખત ICC ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને 8 વિકેટથી હરાવ્યું હતું. આ ત્રીજી વખત છે કે જ્યારે કોહલી કેપ્ટન તરીકે ICCની ટ્રોફી ન જીતાડી શક્યો. કોહલીની કેપ્ટનશિપમાં આ પહેલાં ટીમને 2017ની ચેમ્પિયન્સ ટ્રોફિની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો જે બાદ 2019ના વર્લ્ડ કપ સેમીફાઈનલમાં પણ ભારતીય ટીમ હારી જતાં ટૂર્નામેન્ટમાંથી ફેંકાય ગયું હતું.
કોહલી કેપ્ટન તરીકે યોગ્યઃ ગ્રીમ સ્વાન
સ્પોર્ટ્સકીડા સાથેની વાતચીતમાં ગ્રીમ સ્વાને કહ્યું કે, “વિરાટ કોહલી એક ચેમ્પિયન અને સુપરસ્ટાર પ્લેયર છે. તેને ઈન્ડિયન ટીમને મજબૂત બનાવ્યું છે. જ્યારે કોઈ વિકેટ પડે છે ત્યારે તેનો જુસ્સો જોવા જેવો હોય છે. અને જ્યારે કોઈ મિસફીલ્ડ કરે છે ત્યારે તેના ચહેરા પર જોતા દેખાય છે કે તે કેટલાં જોશ અને જુસ્સા સાથે રમે છે. તે પોતાના કામ પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત છે. જ્યારે તમારી પાસે આવો કેપ્ટન હોય તો તેને કેપ્ટનશિપથી હટાવવો ક્રિકેટ વિરૂદ્ધ એક મોટો ગુનો ગણાશે. મને નથી લાગતું કે અન્ય કોઈને ટીમ ઈન્ડિયનનો કેપ્ટન બનાવવો જોઈએ. ભારતીય ટીમ આ મુકાબલામાં એટલે હાર્યું કેમકે તેની તૈયારીઓ પુરતી ન હતી.”
વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં 2017 ચેમ્પિયન્સ ટ્રોફી
આ મેચ 18 જૂન 2017ના રોજ ઈંગ્લેન્ડના ધ ઓવલ ખાતે રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાને 50 ઓવરમાં 4 વિકેટના નુકસાને 338 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોહલી સેના 30.3 ઓવરમાં 158 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાને આ મેચ 180 રનથી જીતીને ICC ચેમ્પિયન્સ ટ્રોફી પોતાને નામ કરી હતી.
કોહલીના વળતા પાણી!
વિરાટ કોહલીના માથે કેપ્ટનશિપનો ભાર એટલો વધી ગયો છે કે એની બેટિંગમાં પણ પહેલા જેવી ધાર રહી નથી. છેલ્લા કેટલાક વર્ષોથી વિરાટ કોહલીનું પ્રદર્શન પહેલા જેવું જોવા મળ્યું નથી. કોહલીએ દોઢ વર્ષથી એકપણ સદી નોંધાવી નથી. એણે 2019માં બાંગ્લાદેશ વિરૂદ્ધની ડે-નાઇટ ટેસ્ટ મેચમાં સદી નોંધાવી હતી. ત્યારે એણે કોલકાતામાં શાનદાર 136 રન બનાવ્યા હતા. વનડેમાં વિરાટ કોહલીએ 14 ઓગસ્ટ 2019ના રોજ સદી મારી હતી. આ સદી એણે વેસ્ટઇન્ડિઝ સામે પોર્ટ ઓફ સ્પેનમાં નોંધાવી હતી.
વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં 2019 વનડે વર્લ્ડ કપ
ભારત અને ન્યૂઝીલેન્ડની ટક્કર 9 જુલાઈ 2019 વર્લ્ડ કપના સેમી-ફાઇનલમાં થઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હારી નહતી. આ મેચમાં પણ વરસાદે વિઘ્ન નાખ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમને જીતવા માટે 240 રનનો લક્ષ્યાંક હતો. જેના જવાબમાં બીજીવાર બેટિંગ કરતા સમયે ટીમ ઇન્ડિયાએ 24 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. જેના પરિણામે ટીમ ઇન્ડિયાને 18 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતની 39 વર્ષના ઇતિહાસની સૌથી મોટી હાર
1978થી ભારત-પાકિસ્તાન વનડે રમી રહ્યા છે. વનડેમાં 39 વર્ષમાં આ ભારતની પાકિસ્તાન વિરૂદ્ધ સૌથી મોટી હાર હતી. આ મેચમાં ભારત-પાકિસ્તાન કોઇપણ ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં 10 વર્ષ પછી સામ-સામે હતા. આની પહેલા 2007 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.