આઈપીએલના મીડિયા રાઇટ્સ આપવા માટે બિડિંગ ચાલી રહ્યું છે. રવિવારથી બિડિંગ શરૂ થયું હતું. આજે એટલે સોમવારે બિડિંગનો બીજો દિવસ છે. તમામ ક્રિકેટ પ્રેમીઓના મનમાં એક પ્રશ્ન છે કે આ બોલી ક્યાં સુધી ચાલશે અને ક્યાં સુધી બોલી જઇ શકશે. તેના માટે પહેલા તમને જણાવી દઈએ કે IPL મીડિયા રાઈટ્સ પાંચ વર્ષ માટે આપવામાં આવશે. અત્યાર સુધી આઈપીએલના મીડિયા રાઈટ્સ ડિઝની-સ્ટાર પાસે છે, આ કરાર આઈપીએલ 2022 સાથે સમાપ્ત થઈ ગયો છે. હવે આઈપીએલ 2023થી આઈપીએલ 2027 સુધીના મીડિયા રાઇટ્સ આપવામાં આવશે.
સપ્ટેમ્બર 2017માં સ્ટાર ઈન્ડિયાએ 2017થી 2022ના સમયગાળા માટે 16,347.50 કરોડ રૂપિયાની બિડ પર મીડિયા રાઇટ્સ ખરીદ્યા હતા. ત્યાર પછીથી IPL મેચો માત્ર સ્ટાર ઈન્ડિયાની ચેનલ પર જ બતાવવામાં આવે છે. તેણે બિડિંગ દરમિયાન સોની પિક્ચર્સને હરાવ્યું. આ વખતે બેઝ પ્રાઇસ 32,000 કરોડ રૂપિયાની આસપાસ રાખવામાં આવી હતી, જેને ચાર કેટેગરી A, B, C, Dમાં વહેંચવામાં આવી હતી. એ અને બી કેટેગરીની બિડિંગ રવિવારથી શરૂ થઈ હતી પરંતુ સાંજ સુધી બિડિંગ પૂરી થઈ નહોતી. હવે આજે (સોમવાર) સવારે 11 વાગ્યાથી ફરીથી બિડિંગ શરૂ થશે. રવિવારે બંને કેટેગરીની બિડની કિંમત 42 હજાર કરોડથી ઉપર પહોંચી ગઈ હતી. જેમાં રિલાયન્સના વાયાકોમ-18, ઝી, સોની, સ્ટાર-ડિઝનીનો સમાવેશ થાય છે. અગાઉ એમેઝોન પણ મીડિયા રાઇટ્સની રેસમાં હતી, એ જ દિવસે એમેઝોને આ ઓક્શનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
સોમવારે વાયકોમ-18, ઝી, સોની, સ્ટાર-ડિઝની ફરી એકવાર કેટેગરી A અને B માટે લડશે. રવિવારે બિડિંગ શરૂ થયા પહેલા અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે ચારેય કેટેગરીની બિડિંગ 55થી 60 હજાર કરોડ સુધી જઈ શકે છે, પરંતુ જે રીતે પહેલા દિવસે 42,000 કરોડની બિડિંગ થંભી ગઈ હતી તે જોઈને લાગી રહ્યું છે કે આ બે કેટેગરીમાં જ બિડિંગ 60 હજાર કરોડથી ઉપર જશે. આશ્ચર્યની વાત એ છે કે A અને B કેટેગરીમાં બિડિંગ માટે લાગી રહ્યું હતું કે રવિવાર સાંજ સુધીમાં બધું ફાઈનલ થઈ જશે, પરંતુ હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું સોમવારે પણ બિડિંગ પૂરી થશે. હકીકતમાં બીસીસીઆઈએ બિડિંગ માટે કોઈ અંતિમ સમય નક્કી કર્યો નથી. જ્યાં સુધી કંપનીઓ બોલી લગાવતી રહેશે ત્યાં સુધી હરાજી ચાલુ રહેશે. કોઈ સમય મર્યાદા નથી. આવી સ્થિતિમાં તે કંપનીઓ પર નિર્ભર રહેશે કે અંતિમ બિડ ક્યાં જશે. હવે ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઈ રહ્યા છે કે સોમવારે શું થાય છે.