ઇંગ્લેન્ડ વિરૂદ્ધ એજબેસ્ટન ટેસ્ટમાં મળેલી હાર બાદ ટીમ ઇન્ડિયાને કેટલાક ઝટકા લાગ્યા છે. મેચ ખતમ થયા બાદ આઇસીસી દ્વારા ટેસ્ટ રેન્કિંગ પણ અપડેટ કરવામાં આવી છે અને તેમાં સૌથી મોટો ઝટકો ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને લાગ્યો છે. વિરાટ કોહલી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10માંથી બહાર થઇ ગયો છે, આ આશરે 6 વર્ષ પછી થયુ છે જ્યારે વિરાટ કોહલી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10નો ભાગ નથી.
વિરાટ કોહલી ત્રણ વર્ષથી સદીની રાહ જોઇ રહ્યો છે, એજબેસ્ટન ટેસ્ટમાં પણ તેનું બેટ શાંત રહ્યુ હતુ અને આ કારણ છે કે તેને ટેસ્ટ રેન્કિંગમાં આટલુ મોટુ નુકસાન થયુ છે. લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી હવે 13માં નંબર પર પહોચી ગયો છે અને તેને આ વખતે ચાર પોઇન્ટનું નુકસાન થયુ છે.
વિરાટ કોહલી 2053 દિવસ પછી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10ની બહાર થયો છે. જે જણાવે છે કે એક લાંબા સમય સુધી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં રાઝ કર્યુ પરંતુ હવે તે રન માટે સંઘર્ષ કરી રહ્યો છે જેની અસર આંકડામાં સ્પષ્ટ દેખાય છે.
વિરાટ કોહલીની બેસ્ટ રેન્કિંગની વાત કરીએ તો તે 2018માં નંબર-1 પર પહોચ્યો હતો ત્યારે તેની રેટિંગ 937 હતી. હવે જ્યારે વિરાટ કોહલી નંબર-13 પર પહોચ્યો છે ત્યારે તેની રેટિંગ 714 થઇ ગઇ છે. આ સમયે ઇંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન જો રૂટ નંબર-1 પર છે જેની રેટિંગ 923 છે.
વિરાટ કોહલી એક લાંબા સમયથી એવરેજ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. વર્ષ 2019માં તેના બેટથી અંતિમ વખત સદી લાગી હતી. તે બાદથી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઇ પણ સદી ફટકારી શક્યો નથી, ત્યારથી અત્યાર સુધી વિરાટ કોહલી આશરે 75 આંતરરાષ્ટ્રીય ઇનિંગ રમી ચુક્યો છે જેમાં તેની એવરેજ માત્ર 36ની આસપાસની રહી છે.
વિરાટ કોહલીની ટેસ્ટ કરિયર
વિરાટ કોહલીની ટેસ્ટ કરિયરની વાત કરીએ તો તેને 102 ટેસ્ટ મેચ રમી છે જેમાંથી તેને 8074 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 27 સદી અને 28 અડધી સદી ફટકારી છે. વિરાટ કોહલીએ 7 વખત બેવડી સદી પણ ફટકારી છે. વિરાટ કોહલીના ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 254 રન છે. વિરાટ કોહલીએ 20 જૂન, 2011માં વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ.