ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયરે ગુરુવારે કહ્યું કે તેના ખભાની ઈજાના ઓપરેશન સફળ રહ્યું છે અને તે જલદીથી મેદાનમાં પાછા ફરવાનો પ્રયાસ કરશે. ઐયર ગયા મહિને ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. આ કારણે તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) થી બહાર થઈ ગયો.
ઐયરે તેની તસવીર પોસ્ટ કરી અને ટિ્વટ કર્યું, “ઓપરેશન સફળ રહ્યું હતું અને હું શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ પ્રતિબદ્ધતા સાથે પરત આવીશ. તમારી શુભેચ્છાઓ બદલ આભાર.”પૂણેમાં ૨૩ માર્ચના રોજ પ્રથમ વનડે દરમિયાન જોની બેરસ્ટોના શોટને રોકવાના પ્રયાસમાં ૨૬ વર્ષીય બેટ્સમેન ઘાયલ થયો હતો. ત્યારબાદ તે દર્દથી કડકડતો હતો. આને કારણે તે ઇંગ્લેન્ડ સામેની બાકીની મેચોમાં અને આઈપીએલમાંથી પણ છૂટી ગયો હતો. આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઐયર ચાર મહિના માટે બહાર રહી શકે છે. તેણે લેન્કશાયર સાથે પણ કરાર કર્યા છે પરંતુ ૨૩ જુલાઇથી શરૂ થનારી વનડે ટૂર્નામેન્ટમાં તે ઇંગ્લિશ કાઉન્ટી ટીમ તરફથી રમવાની સંભાવના નથી. ઐયરની જગ્યાએ દિલ્હીએ રિષભ પંતને તેમનો કેપ્ટન બનાવ્યો છે.