Chaitra Navratri 2024: આજથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ ચૂકી છે. નવરાત્રીમાં ખાસ કરીને ચૈત્રી નવરાત્રી માઈ ભક્તો માટે માતાજીની ભક્તિ અને આરાધના કરવા માટે ખૂબ જ મહત્વની હોય છે.
નવરાત્રી Navratri માં માઈ ભક્તો વિવિધ રૂપ થી માતાજી ની ભક્તિ કરતાં હોય છે જેમાં ઉપવાસ, એકટાણા કે નકોરડા ઉપવાસ કરીને તો કોઈ જાપ અનુષ્ઠાન કરે તો કોઈ માતાજી ના ધામો ના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી નું અનેરૂ મહત્વ છે. ઘણા માઈ ભક્તો ચાલીને મંદિરે જતાં હોય છે. રાજ્યના ત્રણ મોટા મંદિરોમાં પણ નવરાત્રી ના પહેલા જ દિવસે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ચોટીલા અને પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ મંદીરે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા.
આધ્યશક્તિ ધામ અંબાજીમાં દર્શનાર્થે ભક્તો ની ભારે ભીડ
ચૈત્રી નવરાત્રી ના પ્રારંભે યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. ચૈત્ર સુદ એકમ ના દિવસે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મા અંબા ધામ માં પહોંચ્યા. માં અંબે ની મંગળા આરતીમાં ભક્તોની લાંબી લાઇન જોવા મળી.
જ્યારે અંબાજી મંદિર પરિસર બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું. ચૈત્રી નવરાત્રીને લઈને અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે.
અંબાજી મંદિરમાં સવારે સાડા નવ વાગ્યે ઘટ સ્થાપના કરવામાં આવ્યુ.
ચોટીલા ખાતે માં ચામુંડાના ધામમાં ભક્તોની ભીડ
સૌરાષ્ટ્ર ના ચોટીલા કે જ્યાં ચામુંડા માતાજી નું મંદિર આવેલું છે. નવરાત્રી માં હજારોની સંખ્યામાં માઈ ભક્તો ચોટીલા આવે છે. ગુજરાત તથા ગુજરાત બહારના લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા આવે છે અને માતાજી ની દર્શન – ભક્તિ કરે છે.
ભકતો દ્વારા ચૂંદડી, શ્રીફળ, સાકર પ્રસાદ પણ ધરાવે છે. નવરાત્રી માં આઠમ ના દિવસે માતાજી નો હવન પણ થાય છે.
યાત્રાધામ પાવાગઢમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
આજે વહેલી પરોઢથી જ યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભક્તો માં મહાકાળીના દર્શનાર્થે ઉમટી પડ્યા છે. મોડી રાતથી જ દર્શન કરવા ભક્તો પાવાગઢ પહોંચ્યા હતા તો રાત્રીના સમયે ભજન-કીર્તનથી પાવાગઢ પર્વત વિસ્તાર ગુંજી ઉઠ્યો છે.
સવારે 4 વાગ્યે મંદિરના કપાટ ખુલતા જ મંગળા આરતી કરાઈ હતી. પાવાગઢ મંદિરમાં ચૈત્રી નવરાત્રી ( Chaitra Navratri ) નિમિત્તે માતાજીને વિશેષ શણગાર કરાયો હતો.