વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે POKના લોકોનું શોષણ અને તેમને સ્વતંત્રતાથી વંચિત રાખવા સંપૂર્ણપણે માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. POKમાં પાકિસ્તાન દ્વારા કરાવવામાં આવતી તથાકથિત ચૂંટણી આ ક્ષેત્રના ભૌતિક ફેરફારને છુપાડવાનું ષડયંત્ર છે. અમે પાકિસ્તાન સમક્ષ આ મામલે વિરોધ વ્યક્ત કર્યો છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલી ચૂંટણીને લઈને ભારતે જોરદાર વાંધો ઉઠાવ્યો છે. ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું છે કે POKમાં તેમણે ગેરકાયદે કબજો કર્યો છે. આ ભારતીય ક્ષેત્રોમાં પાકિસ્તાનનો કોઈ જ અધિકાર નથી. પાકિસ્તાન ગેરકાયદે કબજાવાળાં તમામ ભારતીય ક્ષેત્રોને તાત્કાલિક ખાલી કરે. અહીં ચૂંટણીપ્રક્રિયા સંપૂર્ણપણે ગેરકાયદે છે.
આ પ્રકારનો પ્રયાસ કે બદલાવની કવાયત પાકિસ્તાનના કબજાને ન છુપાવી શકાય. પાકિસ્તાન ગેરકાયદે કબજાને તાત્કાલિક ખાલી કરે. અમે ચીન અને પાકિસ્તાનને વારંવાર જણાવ્યું છે કે તથાકથિત CPEC ભારતના ક્ષેત્રમાં છે, જેના પર પાકિસ્તાને ગેરકાયદે રીતે કબજો કરી લીધો છે. અમે એનો વિરોધ કરીએ છીએ. બાગચીએ જમ્મુ-કાશ્મીર અને લદાખને લઈને ચીન અને પાકિસ્તાનના વિદેશમંત્રીઓના સંયુક્ત નિવેદન અંગે પણ આપત્તિ વ્યક્ત કરી છે. બાગચીએ કહ્યું હતું કે ભારત સંયુક્ત નિવેદનમાં જમ્મુ-કાશ્મીરના કોઈપણ સંદર્ભને સ્પષ્ટ રીતે અવગણે છે. જમ્મુ-કાશ્મીર અને લદાખ ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને રહેશે. ચીને કોઈપણ પ્રકારની એકતરફી કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.
બાગચીએ વધુમાં જણાવ્યું હતું કે કોરોના મહામારી વચ્ચે લગાડવામાં આવેલા પ્રતિબંધોને લઈને અમે બ્રિટન સાથે વાતચીત કરી છે. અમે બ્રિટનને આ પ્રતિબંધોને તાત્કાલિક હટાવવાની માગ કરી છે. અમે વેક્સિન સર્ટિફિકેટની માન્યતાને લઈને પણ ચર્ચા કરી છે. થોડા સમયમાં જ એનાં પરિણામ સામે હશે. તેમણે જણાવ્યું હતું કે વર્ચ્યુઅલ ઈન્ડિયા-યુકે શિખર સંમેલનમાં બંને દેશના વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી વ્યાપક રણનીતિક ભાગીદારીની સમીક્ષા માટે વિદેશ સચિવે 23-24 જુલાઈએ બ્રિટનની મુલાકાત કરી હતી. વિદેશ સચિવે પોતાના સમકક્ષોની સાથે બેઠક કરી હતી, જેમાં ભારત-યુકે રોડમેપ 2030ને લઈને પણ ચર્ચા થઈ, સાથે જ બંને દેશ વચ્ચે ભાગીદારી, આર્થિક ગુનાગારી, સુરક્ષા સંબંધો, અફઘાનિસ્તાન સહિત દ્વિપક્ષીય હિતના મુદ્દે ચર્ચા થઈ છે.
કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકરે ગુરુવારે રાજ્યસભામાં કહ્યું હતું કે તાકાતના જોરે જીતેલું અફઘાનિસ્તાન ભારતને ક્યારેય સ્વીકાર નથી. અમેરિકાના વિદેશમંત્રી બ્લિંકનની સાથે પોતાની ચર્ચાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે ‘અમે અફઘાનિસ્તાન પર ચર્ચા કરી છે. બંને દેશનું માનવું છે કે અફઘાનિસ્તામાં શાંતિની વાતચીત અને રાજકીય સમજૂતી હોવી જરૂરી છે. અફઘાનિસ્તાનમાં તાકાતના જોરે સત્તા મેળવી ન શકાય. અમે વર્લ્ડ ફોરમમાં પણ શાંતિ અને સમાધાન માટે રાજકીય વાતચીતને મહત્ત્વ આપીશું.’
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268