OBC અનામત દૂર કરવા મામલે કોંગ્રેસના ધારાસભ્યોએ સી.એમ. ને પાત્ર પાઠવ્યો છે અને ઓબીસી સમાજને અન્યાય થતી વાત રજૂ કરી હતી. ત્યારે OBC અનામતના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે ઉઠાવેલા મુદ્દાને ધ્યાનમાં રાખીને ભાજપે કેટલીક સ્પષ્ટતા કરી હતી. ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ સમાજ(ઓ.બી.સી) ના હક્કો માટે અને અનામત માટે સંપૂર્ણં પ્રતિબદ્ધ છે અને આ માટે આવશક્યતા લાગે તો કાનૂની સહારો લેશે. તેવું તેમણે જણાવ્યું હતું..
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એ કેટલીક સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી ગ્રામપંચાયતની ચૂંટણીમાં બક્ષીપંચ સમાજ ( ઓ.બી.સી) માટે રાખેલ અનામત સીટ હાલ માં બાકી રહેલ પંચાયતની ચૂંટણી માં અનામત રહેશે નહિ તે વિષય ની બાબતે ચર્ચા ચાલી રહેલ છે. ગુજરાત રાજય ચૂંટણી આયોગે તારીખ ૧૦-મે-૨૦૨૨ ના નામદાર સુપ્રીમ કોર્ટ ના ચુકાદાને ધ્યાનમાં રાખી ઉતાવળે પુરી સમીક્ષા કર્યા વગર રાજયમાં બાકી રહેલ ૩૨૫૨ ગ્રામ પંચાયતો માં ચૂંટણી કરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે અને આ ચૂંટણીમાં ચૂંટણી આયોગ ના મત મુજબ ઓ.બી.સી બેઠકો ને સામાન્ય બેઠકોમાં પરિવર્તન કરવા અંગે સૂચન કરેલ છે. ગુજરાત રાજય ઓ.બી.સી અનામત માટે પ્રતિબદ્ધ છે અને રાજ્યના પંચાયત કાયદામાં જ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત માટે ( કલમ ૯, ૧૦ અને ૧૧) ૧૦% અનામતની સ્પષ્ટ જોગવાઈ કરેલ છે. રાજય ચૂંટણી આયોગ એ સ્વતંત્ર સંસ્થા છે તેમના નિર્ણય મુજબ ઓ.બી.સી અનામત કાઢી ને સામાન્ય બેઠકો કરે તેનાથી ભારતીય જનતા પાર્ટી ની ઓ.બી.સી અનામત અંગે ની પ્રતિબદ્ધતા માં કોઈ ફેર પડતો નથી. ભારતીય જનતા પાર્ટી ઓ.બી.સી ના હક્કો માટે અને અનામત માટે સંપૂર્ણં પ્રતિબદ્ધ છે અને આ માટે આવશક્યતા લાગે તો કાનૂની સહારો લેશે. આ સિવાય પણ તમામ સ્થાનિક સ્વારાજ ની ચૂંટણી માં સામાન્ય સીટ ઉપર પણ ૧૦% ઓ.બી.સી ઉમેદવારો નિશ્ચિત રીતે ઉભા રાખશે અને ઓ.બી.સી ના અનામતને કોઈ પણ પ્રકારનું નુકશાન ભારતીય જનતા પાર્ટી ક્યારેય કરશે નહિ.