બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ચૂંટણી લડવાની સતત ચર્ચાઓ ચાલી રહી છે. જો કે હવે તેના પિતાએ આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકી દીધું છે. કંગનાના પિતાએ કંગના રનૌતના લોકસભા ચૂંટણી લડવાના નિર્ણયને સ્વીકારી લીધો છે. તેમણે કહ્યું કે જો કે ભાજપ નક્કી કરશે કે તેઓ ક્યાંથી ચૂંટણી લડશે.
અભિનેત્રી કંગના રણૌતના પિતા અમરદીપે સ્પષ્ટ કર્યું છે કે કંગના ભાજપની ટિકિટ પર જ ચૂંટણી લડશે પરંતુ તે ક્યાંથી ચૂંટણી લડશે એ વાતને પાર્ટી નેતૃત્વ જ નક્કી કરશે. મોટી વાત એ છે કે કંગનાએ બે દિવસ પહેલા કૂલ્લૂમાં પોતાના ઘરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ તેમની ચુંટણી લડવાની ચર્ચાઓ વધારે થઈ રહી હતી. પરંતુ હવે પિતાએ સ્પષ્ટ કરી દીધુ છે કે કંગના ચૂંટણી લડશે.
ગયા અઠવાડિયે, હિમાચલના બિલાસપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સામાજિક બેઠકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કંગનાએ પણ આમાં ભાગ લીધો હતો અને કહ્યું હતું કે આરએસએસની વિચારધારા તેની વિચારધારા સાથે મેળ ખાય છે. તમને જણાવી દઈએ કે કંગના મંડી લોકસભા સીટ અથવા ચંદીગઢથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.