રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ તમામ પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ સમાજના રાજકીય આગેવાનો પણ પોતાની રાજકીય ઓળખ ટકાવી રાખવા સભાઓ યોજી રહ્યા છે. ત્યારે ચોધરી સમાજના આગેવાન તેમજ દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચોધરી પણ ગામે ગામ સંમેલનો યોજી રહ્યા છે. આ અંતગર્ત હારીજ તાલુકાના બોરતવાડા ગામે 31 મું સહકાર સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં વિપુલ ચોધરીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હારીજ તાલુકાના બોરતવાડા ગામે આયોજિત સહકાર સંમેલનમાં વિપૂલ ચોધરી દ્વારા ઉભી કરાયેલી અર્બુદા સેનાના કાર્યકરોના શપથ વિધિ સાથે ઓળખપત્ર એનાયત કરવામાં આવ્યાં હતા. તેમજ આંજણા ચૌધરી સમાજની એકતા અને સહકારીતાની ભાવનાને ઉજાગર કરવા અને અર્બુદા સેનાના રચનાત્મક સંગઠનને વિશાળ અને મજબૂત બનાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. બોરતવાડા ખાતે આયોજિત સહકાર સંમેલનમાં અધ્યક્ષ પદે ઉપસ્થિત રહેલા વિપુલ ચોધરીએ પોતાના ઉદ્ધબોધનમાં જણાવ્યું હતું કે, બોરતવાડા ગામનો સહયોગ હંમેશા સહકારી સંસ્થાઓને મળ્યો છે. અત્યારે સહકારી ક્ષેત્રમાં સરકારની દાનત બગડી છે. ગુજરાતનો ડેરી વિકાસ મંડળ હાલમાં મૃત પાય બન્યો છે. તેમજ જણાવ્યું કે, ચણા કૌભાંડ, તેમજ મગફળી કૌભાંડ થઈ રહ્યા હોય ત્યારે આ વિસ્તારના પ્રતિનિધિ સાથે મંત્રી બનેલા નેતાઓએ રાજીનામું આપી દેવું જોઇએ. આણંદ, સાબર અને બનાસ ડેરી સામે દુધ સાગર ડેરી આગામી દિવસોમાં આવા રાજકારણીઓનાં ચંચુપાતથી નુકસાન કરતા બનશે તેવા આક્ષેપ સાથે અત્યારે દુધ સાગર ડેરી રિર્વસ ગેરમાં ચાલતી હોવાનું જણાવી પોતાની તેજાબી ભાષામાં સરકાર સામે વિવિધ મુદ્દે પ્રહારો કર્યા હતા. આ સહકાર સંમેલનમાં ઉપસ્થિત રહેલા દુધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરે પોતાના ઉદ્ધબોધનમાં જણાવ્યું હતું કે, હાલમાં દુધ સાગર ડેરીને રાજકીય ગ્રહણ લાગ્યું છે. તેનાં કારણે ડેરીને નુકસાન થયું છે. અત્યારનાં ડેરી સંચાલકો ખોટું કરી ડેરીની ચૂંટણી જીતી હોવાના આક્ષેપ કર્યા હતા. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા બનાવવામાં આવતાં સહકારી ક્ષેત્રો માટેનાં કાયદા મોટા ભાગે સહકારી ક્ષેત્ર માટે નુકસાન કરતા સાબિત થયા છે. તેમજ ભાજપ સરકાર દ્વારા સાચાં સહકારી આગેવાનોને ખોટી રીતે હેરાન કરી જેલમાં પુરી બદનામ કરતા હોય ત્યારે આવા લોકોને ઓળખી આગામી સમયમાં આવા લોકોને પાઠ ભણાવવા તેઓએ આહ્વાન કર્યું હતું. આ અર્બુદા સેનાના 31 માં સહકાર સંમેલનમાં બોરતવાડાનાં સમસ્ત ગ્રામજનો સહિત વિવિધ સમાજનાં આગેવાનો, વિવિધ સંગઠનોનાં આગેવાનો અને અર્બુદા યુવા સેનાના કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
—————————————————