વલસાડ જિલ્લાને અડીને આવેલા નવસારીના ચીખલી તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે શુક્રવારે અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના સહિતના વિકાસના કામોના લોકાર્પણ પ્રસંગે હાજરી આપશે. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લામાંથી 2 લાખથી વધુ લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તે પ્રમાણેનું આયોજન વલસાડ જિલ્લા BJP દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં વધતા જતા કોરોનાના ગ્રાફને લઈને સંક્રમણ ન ફેલાય તે માટે પણ વહીવટી તંત્ર યથાર્થ પ્રયાસો કરી રહ્યું છે.સમગ્ર રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણ ન વધે તે માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સભા મંડપમાં તમામ લોકોને યોગ્ય રીતે ફેસ માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી છે. સાથે વડાપ્રધાન સાથે સ્ટેજ ઉપર ઉપસ્થિત રહેનાર તમામ મંત્રીઓ લાભાર્થીઓ અને BJPના કાર્યકરોએ 48 કલાક પહેલાનો RTPCR ટેસ્ટનો રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.સુરતમાં કોરોના વધતા તંત્ર એલર્ટ થયું છે. ૧૦મી જુનના પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં સંકળાયેલા કલેક્ટરથી લઇને ક્લાર્કના કોવિડ ટેસ્ટ કરાયા છે. પોલીસના સ્ટાફ સહિત ૧૭૫ કર્મીઓનો પણ RTPCR ટેસ્ટ કરાયો છે. ચીખલી ખાતે યોજાનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.સુરત એરપૉર્ટ પર વડાપ્રધાનને આવકારવા માટે ભાજપના નેતાઓની સાથે કલેક્ટર કમિશનર સહિતના અધિકારીઓ પણ હાજર રહેશે.એટલું જ નહીં વડાપ્રધાનના એર ક્રૂ મેમ્બર પણ બે દિવસ પહેલા સુરત આવી પહોંચ્યા છે.
ત્યારે પ્રધાનમંત્રીને આવકારવા જનારા કે એરપોર્ટ પર ફરજ બજાવનારા કર્મચારીઓનો કાર્યક્રમના ૪૮ કલાક પહેલા કોવિડ ટેસ્ટ કરાયો હતો. સાથે જ પોઝીટીવ આવનાર કર્મચારી- અધિકારીને કાર્યક્રમથી દૂર રખાશે.