ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેઓએ વિવિધ રાજ્યોમાં તેમની સામે નોંધાયેલા કેસોને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. રાહત માટે સુપ્રીમ કોર્ટમાં પહોંચેલી ભારતીય જનતા પાર્ટીની પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા સામે કોર્ટે દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
કોર્ટે શર્માને ફટકાર લગાવતા કહ્યું કે તમારા નિવેદનોથી અશાંતિ ફેલાય હતી અને તે જ સમયે કોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો છે અને મામલો હાઇકોર્ટમાં લઈ જવા કહ્યું છે. શર્માએ વિવિધ રાજ્યોમાં તેમની વિરુદ્ધ નોંધાયેલી FRIને દિલ્હીમાં ટ્રાન્સફર કરવાની અરજી દાખલ કરી હતી.
જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જેબી પારડીવાલાએ મોડેથી માફી માંગવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે શર્માએ નિવેદન સામે લોકોના આક્રોશ સામે શરતી માફી માંગી હતી. સુપ્રીમ કોર્ટે તેને ટીવી પર જઈને ભડકાઉ ટિપ્પણી માટે માફી માંગવા કહ્યું છે. કોર્ટે કહ્યું, ‘તેણે ટીવી પર જઈને દેશની માફી માંગવી જોઈતી હતી.તેણે વિલંબ કર્યો અને પછી પણ જો ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો શરતો સાથે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું.
ચેનલ અને દિલ્હી પોલીસ પર સવાલ
શર્માએ 27 મેના રોજ જ્ઞાનવાપી મસ્જિદ કેસ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન આ ટિપ્પણી કરી હતી. શુક્રવારે, કોર્ટે પૂછ્યું કે ‘એજન્ડાને પ્રમોટ કરવા’ માટે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે ચેનલનું શું કાર્ય છે. કોર્ટે એમ પણ કહ્યું કે જો શર્મા ચર્ચાના કથિત દુરુપયોગથી નારાજ હતા તો તેમણે એન્કર વિરુદ્ધ FRI દાખલ કરવી જોઈતી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શર્મા પોતાની વિરુદ્ધ અનેક રાજ્યોમાં નોંધાયેલી FIR દિલ્હી ટ્રાન્સફર કરવા માંગ કરાઈ હતી. આ દરમિયાન ભાજપના પૂર્વ પ્રવક્તાએ માહિતી આપી હતી કે તેમને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. પયગંબર પરની વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે દેશના ઘણા ભાગોમાં ભારે હોબાળો થયો હતો.
તણાવ હજુ પણ સમાપ્ત થયો નથી
28 જૂને રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ તેલી નામના દરજીની બે યુવકો દ્વારા ઘાતકી હત્યા કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રિયાઝ અને મોહમ્મદ ગૌસે નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટના કારણે દરજીનો જીવ લીધો હતો. એટલું જ નહીં, તેણે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો અને બાદમાં બીજો વીડિયો પણ જાહેર કર્યો હતો અને હત્યાની જવાબદારી પણ લીધી હતી. જો કે બંને હત્યારાઓને પોલીસે રાજસમંદમાંથી પકડી પાડ્યા હતા.