હાલમાં કોલસેવાડી પોલીસ કેસની તપાસ કરી રહી છે. આ આખી બાબતે મહારાષ્ટ્રના નેતા સંજય ગાયકવાડનું કહેવું છે કે તેઓ સરકારનો કરોડોનો ટેક્સ ભરે છે. તેમની વિરુદ્ધ વીજળી ચોરી જેવો કેસ ખૂબ જ ઉતાવળમાં નોંધાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે વીજળીનું જે બિલ બાકી હતું તે તેમણે ભરી દીધું છે. માત્ર 34 હજાર રૂપિયા માટે મને બદનામ કરવા માટે આ ખોટો કેસ કરવામાં આવ્યો છે. સંજય ગાયકવાડે આ આખી બાબતે નિષ્પક્ષ તપાસ કરવાની માગણી કરી છે.
મહારાષ્ટ્રના કલ્યાણ શહેર અને જાણીતા બિઝનેસમેન અને શિવસેનાના નેતા સંજય ગાયકવાડ જેમણે હાલમાં જ 8 કરોડની કિંમતની રોલ્સ રોયસ કાર ખરીદી હતી તેમના પર વીજળી ચોરીનો આરોપ લાગ્યો છે. મહારાષ્ટ્ર વીજળી વિતરણ વિભાગની ફરિયાદ મુજબ સંજય ગાયકવાડ પર 34 હજાર રૂપિયાની વીજળી ચોરીનો આરોપ લાગ્યો છે. મહારાષ્ટ્ર રાજ્ય વિદ્યુત બોર્ડના અધિકારી દ્વારા સંજય ગાયકવાડ વિરુદ્ધ મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બીજી તરફ સંજય ગાયકવાડે આ આરોપોને નકાર્યા હતા. તેમણે કહ્યું હતું કે જો મેં વીજળી ચોરી કરી છે તો મારા સાઇટ મીટર કેમ ન હટાવવામાં આવ્યા? રોલ્સ રોયસ કારની વાત કરીએ તો તે બ્રિટનની કાર કંપની છે જે માત્ર લગ્ઝરી બતાવે છે. Rolls Royce Ghost, Rolls Royce Dawn, Rolls Royce Phantom, Rolls Royce Cullinan નામથી તેની ગાડીઓ આવે છે જેની કિંમતો કરોડોમાં હોય છે.
સંજય ગાયકવાડ શહેરની જાણીતી હસ્તી છે. તેમના પર વીજળી ચોરીના આરોપોની વાત જંગલમાં લાગેલી આગની જેમ ઝડપથી ફેલાઈ ગઈ. એક રિપોર્ટ મુજબ કલ્યાણની મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડએ ફરિયાદ નોંધાવી હતી. MSEDCLની ટીમે સંજય ગાયકવાડના નિર્માણ સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. આ ટીમની આગેવાની એડિશનલ એક્ઝિક્યુટિવ એન્જિનિયર અશોક બુંધેએ કરી હતી.
આ કાર્યવાહી બાદ MSEDCLએ સંજય ગાયકવાડને 34 હજાર 840 રૂપિયાનું બિલ મોકલ્યું હતું અને સાથે તેમના પર 15 હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો. ત્રણ મહિના સુધી પૈસાની ચુકવણી ન કરવા પર અશોક બુંધેએ તેમની વિરુદ્ધ ગત અઠવાડિયે મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. MSEDCLના પ્રવક્તા વિજયસિંહ દૂધભાતેએ કહ્યું હતું કે પોલીસમાં FIR નોંધાવ્યા બાદ સંજય ગાયકવાડે દંડની રકમ સાથે આખું બિલ ભરી દીધું છે. વીજળીની ચોરીના કારણે 3 વર્ષની જેલ અથવા તો દંડ કે બંને થઈ શકે છે.