ઝીંઝુવાડાના ઐતિહાસિક જાજરમાન દરવાજાઓ આજેય હવા સાથે વાતો કરતા ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવે છે. ત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા આ ઐતિહાસિક દરવાજાઓ ફરી જીવંત કરાય તો ઝીંઝુવાડા ગુજરાતનું ઐતિહાસિક વારસો ધરાવતુ આદર્શ ગામ બની શકે. ઉપરાંત ઐતિહાસિક ઝીંઝુવાડા ગામ ચોરસ આકારમાં ફેલાયેલું ગુજરાતનું એકમાત્ર ગામ છે. અને તાજેતરમાં પ્રધાનમંત્રીએ “મન કી બાત”માં પણ ઝીંઝુવાડા ગામનો ખાસ ઉલ્લેખ કરી ભૂતકાળને વાગોળ્યો હતો.
ઝીંઝુવાડામાં પ્રવેશતા જમણી બાજુ સિંહસર તળાવ અને ડાબી બાજુ સમર વાવ છે. આ વાવ નીચેથી આજે પણ સરસ્વતી નદીનો ગુપ્ત પ્રવાહ વહે છે. ગામની ફરતે સળંગ આખી શીલાવાળો કિલ્લો પ્રાચીન નમૂનારૂપ છે. આ કિલ્લા પર એક આખો ટ્રક એક છેડેથી બીજા છેડે જઇને પાછો આવી શકે એટલી પહોળાઇવાળો આ કિલ્લો છે. આ ઐતિહાસિક કિલ્લાને ફરતા આવેલા હવા સાથે વાતો કરતા ચાર જાજરમાન દરવાજાઓને રક્ષિત સ્મારકોમાં સમાવાયેલા હોવા છતાં ભવ્ય ભૂતકાળને વાગોળતા અત્યંત જર્જરિત હાલતમાં ઊભા છે.
આથી પુરાતત્વ વિભાગ દ્બારા ચારેય દરવાજાઓને રિપેરિંગ કરી ભૂતકાળને ફરી જીવંત કરાય એવી માંગ છે. ગામના આગેવાન સુરૂભા ઝાલાએ જણાવ્યું કે, ઐતિહાસિક વારસાને ફરી જીવંત કરી લોક સમક્ષ મુકાય તે માટે ગાંધીનગર પણ રજૂઆત કરવાના છીએ. દિલ્હીથી પ્રધાનમંત્રી મોદીએ તાજેતરમાં “મન કી બાત” કાર્યક્રમમાં ઝીંઝુવાડાના ભવ્ય ભૂતકાળને વાગોળતા બંદરની જાહોજલાલીની વાતો કરી હતી. વર્ષો પહેલા ઝીંઝુવાડા બંદર હતુ. કચ્છના અખાતનો એક છેડો ઝીંઝુવાડા સુધી જતો હતો. ઝીંઝુવાડા બંદરે વહાણ આવતા અને નાંગરતા હતા. ઇતિહાસની ગવાહી પૂરતી દીવાદાંડી પર નજરે પડે છે.
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની સરહદોના ત્રિભેટે આવેલા ઐતિહાસિક પાટડી નગરની ભૂમિના રજકણોમાં સૈકાઓથી પ્રેમ, શોર્ય અને ધર્મનું સુમધુર મિલન થયેલું છે. શક્તિમાતાના પ્રાગટ્યસ્થાન ગણાતા અેવા પાટડી નગરની ઐતિહાસિક ભૂમિ પર હરપાળદેવ અને શક્તિદેવી એ બે મહાશક્તિશાળી આત્માઓનું મિલન થયું હતુ. એ સમય ગુજરાતનો સુવર્ણકાળ ગણાયો છે. એવા સુવર્ણકાળમાં વિ.સં.1156માં મહાપરાક્રમી હરપાળદેવે પાટડીમાં મખવાન (મકવાણા) વંશની સ્થાપના કરી હતી. એ સમયે પાટડી ગામની ઉત્તરે ઊંચાણવાળી ભૂમિ પર ઇતિહાસ પ્રસિધ્ધ અજેય રાજગઢી આવેલી છે. જે ઊંચા બુરજોવાળા પથ્થરના મજબૂત કિલ્લાથી રચાયેલી છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268