Shantishram News, Diyodar, Gujarat.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત બી.એસ.એફ. જવાનો દ્વારા યોજાઇ રહેલ સાયકલ રેલીને દાંતીવાડા બી.એસ.એફ. કેમ્પસ ખાતેથી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે સાયકલ રેલીમાં જોડાયેલા બી.એસ.એફ.ના જવાનોને અભિનદન પાઠવતાં જણાવ્યું હતું કે, આ સાયકલ યાત્રાથી સમાજને નવી પ્રેરણા મળશે.
તેમણે કહ્યું કે, જે લોકો પોતાનો ઈતિહાસ યાદ રાખે છે તેઓ જ ઈતિહાસ રચી શકે છે. તેમણે કહ્યુ કે, દેશના નામી-અનામી લાખો ક્રાંતિકારીઓએ ફાંસીના ફંદે ચડી મુઘલો, અંગ્રેજોની લાંબી ગુલામીથી આપણને મહામૂલી આઝાદી અપાવી છે, તેનાથી આવનારી પેઢી માહિતગાર થાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી અંતર્ગત ૭૫ અઠવાડિયા સુધી આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે.
તેમણે કહ્યું કે, ક્રાંતિકારી શહીદોએ આંદાબાર-નિકોબારની કાળા પાણીની જેલની યાતનાઓ ભોગવી આપણને આઝાદીના મીઠા ફળ આપ્યા છે ત્યારે દેશમાં ભાઈચારા, એકતાનું વાતાવરણ બનાવી ભારતને ફરી વિશ્વગુરૂ બનાવીએ.
રાજ્યપાલશ્રીએ સુખદ યાત્રાની શુભકામના વ્યક્ત કરતાં કહ્યું કે, દેશભરમાં આવી યાત્રાઓનું આયોજન કરી કુરીતિઓ સામે નવજાગરણ લાવીએ. આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી ખૂબ જ માન-સન્માન અને ગૌરવથી કરીએ.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં બી.એસ.એફ.ના આઈ.જી. શ્રી જી.એસ.મલિકે જણાવ્યું હતું કે, દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દાંડીથી તા.૧૩ સપ્ટેમ્બરના રોજ નીકળેલી આ સાઇકલ યાત્રા ૪ રાજ્યોમાં ૧૩૦૮ કિ.મી.નું અંતર કાપી તા. ૨ જી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીના જન્મ દિવસે રાજઘાટ દિલ્હી પહોંચશે.
દાંતીવાડા બી.એસ.એફ. કેમ્પસ ખાતે રાજ્યપાલશ્રીનું ગાર્ડ ઓફ ઓનર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.આર.એમ. ચૌહાણ, બી.એસ.એફ. કમાન્ડન્ડશ્રી ડી.એસ.અહલાવત અને
શ્રી એ.કે.તિવારી, પ્રાંત અધિકારીશ્રી વી.સી.બોડાણા સહિત અધિકારીઓ, બી.એસ.એફ.ના જવાનો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
BSF , Dantiwada, Banaskantha, Rajyapal Shri Acharya Devvrat, Cycle Relly, district Collector, azadi ka amrut mahotsav, Mahatma Gandhi Janm Din 2 October
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268