રાજ્યમાં રેસીડેન્ટ અને સિનિયર તબીબોએ પોતાની માગણીઓને લઇને હડતાલ કરી છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા હડતાલ કરનારા તબીબો સામે આક્રમક વલણ અપનાવવાની શરૂઆત કરી છે. તબીબોની હડતાલને લઇને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી મેડીકલ કોલેજના ડીનને પત્ર પાઠવવામાં આવ્યો છે. આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, રેસીડન્ટ અને સિનિયર તબીબ જે હડતાલ પર છે તેમને હવેથી ફરજ પરથી ગેરહાજર ગણવામાં આવશે અને તેમના સ્ટાઇપેન્ડ પણ રોકી દેવામાં આવશે. બીજી તરફ જે જગ્યા પર તબીબોએ હડતાલ કરી છે ત્યાં તાત્કાલિક મેડીકલ ઓફિસર મોકલીને દર્દીની સારવારમાં કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
તમામ ડૉક્ટરો ફરજ ઉપર તાત્કાલિક હાજર થાય અન્યથા એપેડેમીક એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે: નીતિન પટેલ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યની સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોનાં રેસિડેન્ટ ડૉકટર્સની ચાલી રહેલ હડતાળ તદ્દ્ન ગેરવાજબી અને કોઇપણ યોગ્ય કારણો વગર કરીને દર્દીઓને હાલાકી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે આવા તમામ ડૉક્ટરો દર્દીઓની સેવા કરવી તે પોતાની નૈતિક ફરજ સમજી પોતાની ફરજ પર તાત્કાલિક હાજર થઇ જાય. અન્યથા રાજ્ય સરકાર દ્વારા એપેડેમીક એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારની બોન્ડ નીતિ સ્પષ્ટ છે, જેમાં સ્નાતક તેમજ અનુસ્નાતક વિધાર્થીઓને પ્રવેશ સમયે આપેલ બોન્ડની શરતો મુજબ એક વર્ષ / ત્રણ વર્ષની ગ્રામ્ય વિસ્તારમાં સેવાઓ આપવાની થાય છે. આ વિધાર્થીઓ સરકારી મેડીકલ કોલેજ ખાતે પ્રજાનાં જ નાણાં થકી બિલકુલ નજીવી ફી થી અભ્યાસ મેળવે છે. ત્યારબાદ આ અભ્યાસક્રમ પૂર્ણ થયેથી રાજ્યના છેવાડાનાં નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ આપવી તેઓની ફરજ છે.
તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્નારા તમામ બોન્ડેડ ડૉક્ટરોને કોવિડ સમયેની ફરજ અન્વયે વધારાના લાભો આપવામાં આવ્યાં હતાં. છેલ્લે તા.12.04.2021 ના રોજ કરેલા ઠરાવની મુદ્દત તા.31.07.2021 ના રોજ પૂર્ણ થતાં તથા રાજ્યમાં જુજ સંખ્યામાં કોવિડના કેસોની સંખ્યાને ધ્યાને લઇને રાજ્યની ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓની સારવાર માટે ઘણી મોટી સંખ્યામાં ડૉક્ટરોની જરૂરિયાત છે ત્યારે તેઓને રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં બોન્ડ મુજબ સેવા આપવા માટે તા.01.08.2021 થી ગ્રામ્ય વિસ્તારમાં રાજ્ય સરકારે બોન્ડેડ તબીબ તરીકે સેવા આપવા માટે આદેશો કરવામાં આવ્યા છે. જે બોન્ડેડ પીજી તબીબને બોન્ડ મુક્ત થવું હોય તો જે મેડીકલ કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો હોય ત્યાં નિયત થયેલ બોન્ડની રકમ જમા કરાવી બોન્ડ મુક્ત થઇ શકે છે.
નીતિન પટેલે ઉમેર્યુ કે, તબીબી સેવા એ સમાજની એક ઉમદા સેવા છે. આ હડતાળ ગેરકાયદેસર તથા કોઇપણ પ્રકારના કારણો સિવાયની છે. ત્યારે આ ડૉક્ટરો પોતાની નૈતિક ફરજ સમજીને ગુજરાતની પ્રજાને આરોગ્ય વિષયક સેવાઓ આપી તેમના સરકારે નિયત કરેલા ફરજના સ્થળે તાત્કાલિક હાજર થઇ જાય.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268