2022 ની ચૂંટણી આ વર્ષે રસપ્રદ બનવા જઇ રહી છે, આ વચ્ચે કોંંગ્રેસના ગઢમાં ગાબડા પાડવાની રણનીતિ ભાજપે ઘડી નાખી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લા પછી અરવલ્લી જિલ્લામાં તેની શરૂઆત થવા થઈ રહી છે. ભિલોડા બેઠક એક કોંગ્રેસનો ગઢ છે અને આ ગઢમાં ગાબડુ પાડવા કોંગ્રેસના નેતાઓને ભાજપમાં જોડવાનો માસ્ટર પ્લાન તૈયાર થઇ ગયો છે. સ્વ. અનીલ જોષીયારાના પુત્ર આગામી 24 મે ના રોજ કોંગ્રેસનો હાથ છોડી દેશે અને ભાજપમાં જોડાશે. તેમણે જણાવ્યું કે, ભાજપની વિચારધારાથી પ્રેરાઈને હું ભાજપમાં જોડાઈ રહ્યું છે. આ સાથે જ ભાજપની વિચારધારાથી જ ભિલોડા અને મેઘરજ તાલુકાનો વિકાસ શક્ય બનશે.
આગામી 24 મે ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા પ્રભારી જયશ્રીબહેન દેસાઈની ઉપસ્થિતિમાં કેવલ જોષીયારા 1500 કાર્યકરો સાથે ભાજપનો ખેસ ધારણ કરશે. સ્વ. અનિલ જોષીયારા પરિવારનું ભાજપમાં જોડાવાનું પહેલેથી જ નક્કી હતુ જો કે, કેટલીક અટકળો વચ્ચે સ્પષ્ટ માહિતી બહાર આવી શકી નહોતી પણ આખરે કેવલ જોષીયારાએ ભાજપની વિચારધારાને સ્વાકારી અને કોંગ્રેસને બાયબાય કરી દેશે.
સ્વ.ધારાસભ્ય અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારાએ વાત કરતા જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રકાર રાજકીય સોદાબાજી કે વિધાનસભાની ટિકિટના સ્વાર્થ વગર પોતાની વિચારસણી થી ભાજપમાં જોડાઈ રહ્યો છું. ભિલોડા-મેઘરજ તાલુકાનો વિકાસ એજ મારુ લક્ષ છે બંને તાલુકાના અંતરિયાળ વિસ્તારોની મુલાકાત કરી વિકાસને વેગવંતો બનાવીશ.