પેનલનો રિપોર્ટ સામે આવ્યા બાદ ભાજપે કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. દિલ્હીથી ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે કહ્યું હતું કે જો કેજરીવાલમાં શરમ બચી હોય તો તેણે દેશની માફી માગવી જોઈએ.
કોરોનાની બીજી લહેર વચ્ચે કેન્દ્ર અને દિલ્હી સરકારની વચ્ચે ઓક્સિજન અંગે થયેલા વિવાદ હવે બીજી રીતે સામે આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટની એક પેનલે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે દિલ્હી સરકારે કોરોના સંકટના પીક પર જરૂર કરતાં 4 ગણા વધુ ઓક્સિજનની માગ કરી હતી, જેની 12 રાજયના સપ્લાય પર અસર પડી.
દિલ્હી સરકારે કોરોનાની બીજી લહેરના સમયે કેન્દ્ર પાસેથી 1,140 મેટ્રિક ટન ઓક્સિજનની માગ કરી હતી. રિપોર્ટ મુજબ, એ દિલ્હીની જરૂરિયાત કરતાં 4 ગણી વધુ છે. દિલ્હીમાં એ સમયે જેટલાં ઓક્સિજન બેડ હતાં એ હિસાબે દિલ્હીને 289 મેટ્રિક ટન ઓક્સિજનની જ જરૂરિયાત હતી.