- SUIT પેલોડે અલ્ટ્રાવાયોલેટ તરંગલંબાઇ પર સૂર્યની સંપૂર્ણ ડિસ્ક ઇમેજ મોકલી
ભારત દેશ ચંદ્રયાન-3 મિશનની મોટી સફળતા બાદ સમગ્ર વિશ્વની નજર ઈસરોના આદિત્ય એલ1 મિશન પર ટકેલી છે. ISROએ શુક્રવારે આદિત્ય L1ની મોટી ઉપલબ્ધિ વિશે માહિતી શેર કરી છે. આદિત્ય L1ના SUIT પેલોડે સૂર્યની અદભૂત તસવીરો કેદ કરી છે. ISROએ કહ્યું કે, SUIT પેલોડે અલ્ટ્રાવાયોલેટ તરંગલંબાઇ પર સૂર્યની સંપૂર્ણ ડિસ્ક ઇમેજ મોકલી છે. આ તસવીરોથી સૂર્યના ફોટોસ્ફિયર-ક્રોમોસ્ફિયરને સમજવામાં સરળતા રહેશે.
ઈસરોએ કહ્યું કે, આ તસવીરોથી એ સમજવામાં સરળતા રહેશે કે સૂર્યમાંથી નીકળતા રેડિએશનની પૃથ્વી પર કેવી અસર થઈ રહી છે. આ સોલર રેડિએશનની પ્રતિકૂળ અસરોને ઘટાડવા અથવા અટકાવવાનું સરળ બનાવશે. ISROના જણાવ્યા અનુસાર, આદિત્ય-L1 અવકાશયાન પર માઉન્ટ થયેલ ‘સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ’ (SUIT) ઉપકરણે 200-400 nm તરંગલંબાઇની રેન્જમાં સૂર્યની પહેલી ફૂલ-ડિસ્ક તસવીરો ક્લિક કરી છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ના જણાવ્યા મુજબ SUITએ વિવિધ વૈજ્ઞાનિક ફિલ્ટર્સનો ઉપયોગ કરીને આ તરંગલંબાઈની રેન્જમાં સૂર્યના ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરની તસવીરો લીધી છે. ISROએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું છે કે ’20 નવેમ્બર, 2023ના રોજ, SUIT ઉપકરણ કાર્યરત થયું હતું. ટેલિસ્કોપે 6 ડિસેમ્બર, 2023ના રોજ પહેલી ઓપ્ટિકલ તસવીર ક્લિક કરી હતી.
ઈસરોએ આ ફોટાને અભૂતપૂર્વ ગણાવ્યા છે અને કહ્યું કે તે 11 અલગ-અલગ ફિલ્ટર્સનો ઉપયોગ કરીને ક્લિક કરવામાં આવ્યા છે. ISROએ જણાવ્યું હતું કે, “તસવીરોમાં Ca II H (ક્રોમોસ્ફેરિક ઉત્સર્જનથી સંબંધિત)ને બાદ કરતાં 200થી 400 nm સુધીની તરંગલંબાઇમાં સૂર્યની પહેલી ફૂલ-ડિસ્ક પ્રસ્તુતિનો સમાવેશ થાય છે.” આ તસવીરોમાં સનસ્પોટ્સ, પ્લેઝ અને શાંત સૂર્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. જે વૈજ્ઞાનિકોને સૂર્યના ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરની વિગતો સમજવામાં પણ ઘણી મદદરૂપ સાબિત થશે