Lok Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટી (BJP)એ હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને મેદાનમાં ઉતારી છે. આ સાથે જ કંગનાની રાજકીય ઇનિંગ શરૂ થઈ ગઈ છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગયા વર્ષે કુલ્લુમાં કંગનાને મળ્યા હતા. આ મીટિંગ બાદ કંગનાના પિતા અમરદીપ રનૌતે કહ્યું હતું કે કંગના ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે.
ભાજપે હાલમાં જ તેમને મંડીથી ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે. મંડી લોકસભા સીટ પર સૌથી વધુ રાજપૂત મતદારો છે. આ બેઠક પર રાજપૂત અને બ્રાહ્મણ નેતાઓનું વર્ચસ્વ છે. કંગના રનૌત પણ રાજપૂત સમુદાયમાંથી આવે છે. જ્ઞાતિ સમીકરણ ઉકેલવા ભાજપે કંગનાને મેદાનમાં ઉતારી છે.
હિમાચલ પ્રદેશમાં ભાજપ ક્લીન સ્વીપ કરશે
અત્યાર સુધી આ સીટ કોંગ્રેસે 11 વખત જીતી છે જ્યારે 5 વખત આ સીટ ભાજપના ફાળે ગઈ છે. જો કે આ વખતે હિમાચલ પ્રદેશની તમામ 4 લોકસભા બેઠકો ભાજપ જીતે તેવી શક્યતા છે. આજતકના મૂડ ઓફ ધ નેશન સર્વે મુજબ ભાજપ હિમાચલની તમામ 4 સીટો કબજે કરી શકે છે.
2019માં ભાજપે મંડી સીટ જીતી હતી
ગત લોકસભા ચૂંટણીમાં મંડી બેઠક પરથી ભાજપના રામ સ્વરૂપ શર્મા જીત્યા હતા. આ ચૂંટણીમાં રામ સ્વરૂપ શર્માને 362824 વોટ મળ્યા, જ્યારે તેમના નજીકના હરીફ કોંગ્રેસના પ્રતિભા સિંહને 322968 વોટ મળ્યા. જોકે, પ્રતિભા સિંહ 2021માં મંડી સીટ પર પેટાચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા.
પ્રતિભા સિંહે આ વખતે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. સાતમા તબક્કા માટે હિમાચલ પ્રદેશની મંડી, હમીરપુર, કાંગડા અને શિમલા સીટ પર 1 જૂને મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.