WhatsAppને ટક્કર આપવા માટે ભારત સરકારે Sandes એપ લૉન્ચ કરી છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી બાબતોના રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે આ માહિતી લોકસભામાં આપી છે. આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ એપ્લિકેશન પર લાંબા સમયથી કામ ચાલી રહ્યું હતું. આપને જણાવી દઈએ કે, કેટલાક યુઝર્સ માટે આ એપને જારી પણ કરી દેવામાં આવી હતી. આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે.
Sandes એપ એ Facebookની માલિકીના WhatsAppનું એક ભારતીય ઓપ્શન છે. મોબાઇલ નંબર અથવા ઇમેઇલ આઈડી ધરાવતા કોઈપણ વ્યક્તિ તેનો ઉપયોગ તમામ પ્રકારના કોમ્યુનિકેશન માટે કરી શકે છે. હાલમાં સરકારી કર્મચારીઓ અને સરકાર સાથે સંકળાયેલી એજન્સીઓ દ્વારા Sandesનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
જાણો Sandes Appના ફીચર્સ.
Sandes એક ઓપન સોર્સ-આધારિત, સુરક્ષિત, ક્લાઉડ-સક્ષમ પ્લેટફોર્મ છે. તેને સરકાર દ્વારા અને સરકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હોસ્ટ કરવામાં આવી છે. આ એપમાં ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે. વોટ્સએપની જેમ આ એપ્લિકેશનમાં યુઝર્સ કોઈને પણ મેસેજ મોકલી શકે છે અને ગ્રુપ બનાવી શકે છે. સાથે જ યુઝર્સ કોઈ પણ ફાઇલ અને મીડિયા જેમ કે ફાટા, વીડિયો અને ઓડિયો મોકલી શકે છે. તેમાં ઓડિયો અને વીડિયો કોલની સુવિધા પણ આપવામાં આવી છે.
જણાવી દઈએ કે, વોટ્સએપની સૌથી મોટી ખાસિયત તેની એન્ક્રિપ્શન સિસ્ટમ છે. આ એપમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન છે. દાવો કરવામાં આવે છે કે સેન્ડર અથવા રિસીવર સિવાય કોઈ ત્રીજી વ્યક્તિ ચેટ વાંચી નથી શકતી, કંપની પણ તેને વાંચી શકતી નથી. જો આ એપમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન નહીં આવે, તો કદાચ તે વોટ્સએપને ટક્કર નહીં આપી શકે. કારણ કે યુઝર્સની પ્રાઇવસીની દ્રષ્ટિએ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન એક મોટી બાબત છે. એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન વિના એપ્લિકેશન્સમાંથી ડેટા થર્ડ પાર્ટી એક્સેસ કરી શકાય છે.