આંધ્રપ્રદેશના મંદિર નગરી તિરુપતિમાં વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ખાસ દર્શન માટે ટોકન લેતી વખતે ભાગદોડ મચી ગઈ. આ હંગામા દરમિયાન, 4 હજારથી વધુ ભક્તો પ્રભાવિત થયા. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, ભીડભાડ અને “વહીવટી બેદરકારી” ના કારણે થયેલી નાસભાગમાં લગભગ 6 લોકોના મોત થયા છે.
મંદિરમાં થયેલી ભાગદોડ પાછળનું કારણ પણ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, છ ઘાયલોમાંથી એક, મલ્લિકા નામની મહિલા ભક્ત, બૈરાગી પટ્ટીડા પાર્કના ટોકન કાઉન્ટર પર પોતાના વારાની રાહ જોઈ રહી હતી. આ સમયે તે અચાનક બીમાર પડી ગઈ. તેમને હોસ્પિટલ લઈ જવા માટે દરવાજા ખોલવામાં આવ્યા, ત્યારબાદ નાસભાગ મચી ગઈ.
બુધવારે રાત્રે, દેશભરમાંથી હજારો ભક્તો શુક્રવારથી શરૂ થનારા 10 દિવસના ખાસ વૈકુંઠ દ્વાર દર્શન માટે ઉમટી પડ્યા હતા. ઘટના બાદ પત્રકારો સાથે વાત કરતા, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડના સભ્ય ભાનુ પ્રકાશ રેડ્ડીએ જણાવ્યું હતું કે, “ટોકન વિતરણ માટે 91 કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા. આ દરવાજા ગુરુવારે સવારે ખોલવાના હતા.”
તેમણે કહ્યું કે આ ભાગદોડમાં છ શ્રદ્ધાળુઓના મોત થયા છે, 40 ઘાયલ થયા છે, અમે તબીબી સુવિધાઓ પૂરી પાડી રહ્યા છીએ. ટીટીડીના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી. હું ભક્તોની દિલથી માફી માંગુ છું. અમે તપાસ કરીશું અને કાર્યવાહી કરીશું.
‘બેદરકારીનું પરિણામ…’
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ અધિકારીઓ ભીડને કાબૂમાં લઈ રહ્યા છે. ટીટીડીના અધ્યક્ષ બીઆર નાયડુએ આ ઘટના માટે મેનેજમેન્ટને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે કહ્યું કે આ અકસ્માત વહીવટીતંત્રની બેદરકારીનું પરિણામ છે. ડીએસપીએ એક બાજુનો દરવાજો ખોલ્યો અને નાસભાગ મચી ગઈ. અકસ્માતમાં ઘાયલ થયેલા એક વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે, આજે મુખ્યમંત્રી નાયડુ તેમના પરિવારને મળવા જશે.
દર વર્ષે લાખો લોકો ભેગા થાય છે
દર વર્ષે વૈકુંઠ એકાદશી પર, લાખો ભક્તો તિરુપતિ વૈકુંઠ દ્વારના દર્શન માટે ભેગા થાય છે. આ ખાસ દિવસોમાં દેશના ખૂણે ખૂણેથી લોકો તિરુપતિના દર્શન કરવા આવે છે. આ વખતે વૈકુંઠ દ્વાર દર્શન 10 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી યોજાશે. આ ખાસ દર્શન માટે જ ટોકન વિતરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 9 જાન્યુઆરીની સવારથી ટોકનનું વિતરણ થવાનું હતું, પરંતુ 8 જાન્યુઆરીની રાતથી લોકો તેના માટે ભેગા થવા લાગ્યા અને ભીડ વધતી ગઈ, નાસભાગ મચી ગઈ.