Mukhtar Ansari Death: માફિયા મુખ્તાર અન્સારીનું યુપીના બાંદા મેડિકલ કોલેજમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. પરિવારથી લઈને તમામ વિપક્ષી પાર્ટીઓ મુખ્તારના મોત પર સવાલ ઉઠાવી રહ્યા છે, ત્યારબાદ આ મામલાની ન્યાયિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ કેસમાં એક મહિનામાં રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે.
બાંદા કોર્ટના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ ભગવાન દાસ ગુપ્તાએ મુખ્તાર અંસારીના મૃત્યુની ન્યાયિક તપાસનો આદેશ આપ્યો છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગરિમા સિંહને આ મામલાની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રશાસનને મુખ્તાર અંસારીની સારવાર અંગેની તમામ માહિતી ત્રણ દિવસમાં આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તપાસ રિપોર્ટ એક મહિનામાં સબમિટ કરવાનો રહેશે.
પરિવાર પર ગંભીર આક્ષેપો
આ મોતને લઈને મુખ્તાર અંસારીના પરિવાર દ્વારા અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. પરિવારજનોએ જેલ પ્રશાસન પર તેને સ્લો પોઈઝન આપવાનો આરોપ લગાવ્યો છે. આ પહેલા મુખ્તાર અંસારીએ પણ કોર્ટમાં પોતાની હાજરી દરમિયાન આવા જ આરોપ લગાવ્યા હતા. જે બાદ આ મામલે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે.
બીજી તરફ અનેક વિપક્ષી પાર્ટીઓ પણ આ અંગે રાજ્ય સરકારને ભીંસમાં મૂકી રહી છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ અંગે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે જે સરકાર જીવનનું રક્ષણ કરી શકતી નથી તેને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. ઉત્તર પ્રદેશ ‘સરકારી અરાજકતા’ના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. યુપીમાં કાયદો અને વ્યવસ્થાનો આ ‘ઝીરો અવર’ છે.
BSP સુપ્રીમો માયાવતીએ કહ્યું, ‘મુખ્તાર અંસારીના પરિવાર દ્વારા જેલમાં તેમના મૃત્યુને લઈને કરવામાં આવી રહેલી સતત આશંકા અને ગંભીર આરોપોની ઉચ્ચ સ્તરીય તપાસ કરવી જરૂરી છે, જેથી તેમના મૃત્યુની સાચી હકીકત બહાર આવી શકે.’