- પોલીસે આ કેસમાં બલરાજ ગીલની ધરપકડ કરી હતી
સમગ્ર હરિયાણાને હચમચાવી દેનાર મોડલ દિવ્યા પહુજા કેસમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ હત્યાના 11મા દિવસે હરિયાણા પોલીસને તેનો મૃતદેહ મળ્યો હતો. આરોપીઓએ દિવ્યા પહુજાની હત્યા કરી અને હરિયાણાના ટોહાના ફતેહાબાદના કુંડાની હેડમાં તેના મૃતદેહને ફેંકી દીધો. દિવ્યા ગેંગસ્ટરની ગર્લફ્રેન્ડ હતી. ગત 2 જાન્યુઆરીએ તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં બલરાજ ગીલની ધરપકડ કરી હતી.
અને તેની પૂછપરછ બાદ ગુરુગ્રામ પોલીસે દિવ્યાના મૃતદેહની શોધ શરૂ કરી. દિવ્યાના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે, આ મામલો હરિયાણા પોલીસ માટે પડકાર બની ગયો હતો. જનતાની સાથે પોલીસ પર પણ રાજકીય દબાણ વધી રહ્યું હતું.
દિવ્યાની હત્યાના દસ દિવસ સુધી પણ તેના મૃતદેહનો કોઈ પત્તો લાગ્યો ન હતો. મૃતદેહની સતત શોધખોળ કરી રહેલી પોલીસને દિવ્યાના મૃતદેહના નિકાલનો વીડિયો સામે આવતાં મોટી સફળતા મળી હતી. આ પછી પોલીસે બલરાજને કોલકાતા એરપોર્ટ પરથી પકડી લીધો હતો. બલરાજ અહીંથી વિદેશ જવાની તૈયારી કરી રહ્યો હતો. જે બાદ આ હત્યાના પડદા થોડા ખુલવા લાગ્યા હતા.
ત્યારે મળતી માહિતી મુજબ, દિવ્યા નવા વર્ષના બીજા દિવસે એટલે કે 2 જાન્યુઆરીએ અભિજીતને મળવા આવી હતી. આ મુલાકાત બાદ બંને અભિજીતની હોટલમાં આવ્યા હતા. દિવ્યા પાસે અભિજીતના કેટલાક વાંધાજનક ફોટા હતા. મોડલે આ તસવીરો ડિલીટ કરી નથી. આ બાબતે હોટલમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દલીલ વચ્ચે અભિજીતે દિવ્યાને ગોળી મારી દીધી હતી. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.