National News: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારતના ઘણા રાજ્યોમાં હજુ આગ ઝરતી ગરમી પડશે, જયારે પશ્ચિમ બંગાળમાં ભરે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.દેશના વિવિધ ભાગોમાં હવામાન બદલાઈ રહ્યું છે. ક્યાંક આકરી ગરમી પડી રહી છે, ક્યાંક વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક કરા પડી રહ્યા છે. કાળઝાળ ગરમીના કારણે ઘણા રાજ્યોની શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, જમ્મુ-કાશ્મીરના રિયાસી વિસ્તારમાં વરસાદ બાદ કરા પડ્યા. કાળઝાળ ગરમીને જોતા હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને 25 મે સુધી બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
આ રાજ્યોમાં પડશે આગ ઝરતી ગરમી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ગરમીમાંથી રાહત મળવાની કોઈ સંભાવના નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 મે, 2024 ના રોજ પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશના વિવિધ ભાગો અને પશ્ચિમ મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં હીટ વેવની સંભાવના છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, પૂર્વ ઉત્તર પ્રદેશ, વિદર્ભ, સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ-અલગ સ્થળોએ હીટ વેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગે પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને લઈને ચેતવણી જાહેર કરી છે. IMDએ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 27 અને 28 મેના રોજ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 27 અને 28 મે, 2024 ના રોજ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. જયારે ઓડિશામાં 26 મે 2024 ના રોજ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.
પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ
હવામાન વિભાગે આસામ અને મેઘાલયમાં 27 અને 28 મે, 2024ના રોજ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાતી તોફાન 26 મે 2024ની સાંજે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના છે, જેના કારણે ત્યાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. IMD એ 26-27 મેના રોજ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે