સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ હિમાચલ પ્રદેશમાં એક કેબલ ઓપરેટરને તરફેણના બદલામાં 1 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)ના વરિષ્ઠ અધિકારીની ધરપકડ કરી હતી. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. TRAI અધિકારીની ઓળખ નરેન્દ્ર સિંહ રાવત તરીકે થઈ છે. કેન્દ્રીય એજન્સીએ આરોપી નરેન્દ્ર રાવત વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તમને જણાવી દઈએ કે નરેન્દ્રએ હિમાચલ પ્રદેશના સિરમૌરમાં કેબલ સર્વિસ ચલાવવા માટે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયના લાયસન્સ ધારક પાસેથી લાંચ માંગી હતી.
આરોપીએ કથિત રીતે પીડિત ઓપરેટરને રાજ્યના અન્ય પાંચ લાયસન્સ ધારક કેબલ ઓપરેટરો વતી ત્રિમાસિક અહેવાલોની આકારણી કરવામાં મદદ માટે લાંચ આપવાનું કહ્યું હતું. આ મામલે સીબીઆઈએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, “ટ્રાઈની ગાઈડલાઈન મુજબ, કેબલ ઓપરેટરોએ તેમના ત્રિમાસિક અહેવાલો સબમિટ કરવાના હોય છે, જેના આધારે નિર્ણય લેવામાં આવે છે કે કેબલ ઓપરેટર્સનું લાઇસન્સ ચાલુ રાખવું કે રદ કરવું.”
પ્રારંભિક ચકાસણી બાદ સીબીઆઈએ આરોપીને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. તેઓએ આરોપી નરેન્દ્ર સિંહ રાવતને રૂ. 1 લાખની લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યો હતો. તપાસ એજન્સી આરોપીઓના રહેણાંક અને સત્તાવાર જગ્યાઓ પર દરોડા પાડી રહી છે.