કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ધીમી ગતિ માટે મહારાષ્ટ્રની તત્કાલીન ઉદ્ધવ ઠાકરે સરકારને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું કે જો ઠાકરે સરકારે વહેલી તકે મંજૂરી આપી હોત તો દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં ઘણી પ્રગતિ થઈ ગઈ હોત. તેમણે કહ્યું કે બુલેટ ટ્રેન દોડવાથી આર્થિક પ્રગતિ થશે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કાર્યનું નિરીક્ષણ કરતી વખતે, વૈષ્ણવે જણાવ્યું હતું કે મુંબઈ અને અમદાવાદ વચ્ચેના 508 કિલોમીટર લાંબા કોરિડોર પર સુરત-બીલીમોરા સેક્શન જુલાઈ-ઓગસ્ટ 2026 સુધીમાં કાર્યરત થઈ શકે છે. તેમણે કહ્યું, આ પછી, એક પછી એક અન્ય વિભાગો પર કામગીરી શરૂ થશે. તેમણે એ પણ માહિતી આપી હતી કે બુલેટ ટ્રેન કોરિડોરમાં ‘મર્યાદિત સ્ટોપ’ અને ‘ઓલ સ્ટોપ’ સેવાઓ હશે.
રેલ્વે મંત્રીએ કહ્યું કે મર્યાદિત સ્ટોપવાળી ટ્રેનો માત્ર બે કલાકમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર કાપશે, જ્યારે અન્ય સેવાઓમાં લગભગ 2 કલાક 45 મિનિટનો સમય લાગશે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ 12 સ્ટેશન હશે. તેનો અમલ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા કરવામાં આવી રહ્યો છે.
રેલ્વે મંત્રી વૈષ્ણવે કહ્યું, “જો તત્કાલીન ઉદ્ધવ ઠાકરે સરકારે ઝડપથી તમામ પરવાનગીઓ આપી દીધી હોત, તો પ્રોજેક્ટ અત્યાર સુધીમાં ખૂબ આગળ વધી ગયો હોત.” તેમણે કહ્યું કે રાજ્યમાં એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસ (શિવસેના-ભાજપ)ની સરકાર બની કે તરત જ 10 દિવસમાં પરવાનગી આપવામાં આવી.
વર્ષ 2022 માં, શિંદેના બળવા પછી શિવસેનામાં ભાગલા પડ્યા હતા, જેના કારણે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહા વિકાસ અઘાડી સરકાર પડી ગઈ હતી. આ પછી, શિંદેએ ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી અને મુખ્ય પ્રધાન બન્યા, અને દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાનનો ચાર્જ સંભાળ્યો.
અશલિની વૈષ્ણવે કહ્યું કે કમનસીબે ઠાકરે સરકારે આ પ્રોજેક્ટમાં ઘણો વિલંબ કર્યો, પરંતુ તેઓ હવે તેની ભરપાઈ કરવાનો પ્રયાસ કરશે.