સંસદે શુક્રવારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક અને અન્ય ગેરરીતિઓને રોકવા માટે એક બિલ પસાર કર્યું હતું. સંસદ દ્વારા પસાર કરાયેલ જાહેર પરીક્ષાઓ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ-2024માં વધુમાં વધુ 10 વર્ષની જેલની સજા અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.
પરીક્ષાર્થીઓને આ કાયદાથી અલગ રાખવામાં આવ્યા છે. આ બિલ શુક્રવારે રાજ્યસભામાં ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ લોકસભા દ્વારા 6 ફેબ્રુઆરીએ પસાર કરવામાં આવ્યું હતું. રાજ્યસભામાં બિલ પરની ચર્ચાનો જવાબ આપતા કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રીએ કહ્યું કે આ બિલ એવા લોકો પર લગામ લગાવવા માટે છે જેઓ યુવાનોના ભવિષ્ય સાથે રમત કરી રહ્યા છે.
યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત છે – મંત્રી
આ બિલનો હેતુ પરીક્ષા પ્રણાલીમાં વધુ પારદર્શિતા, નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા લાવવાનો અને યુવાનોને તેમનું ભવિષ્ય સુરક્ષિત હોવાની ખાતરી આપવાનો છે. વિરોધ પક્ષો કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસે ઉપલા ગૃહમાં બિલને સમર્થન આપ્યું હતું, પરંતુ પેપર લીક, છેતરપિંડી અને અન્ય ગેરરીતિઓની ઘટનાઓને રોકવા માટે વધુ કડક ધોરણો અને પગલાંના કડક અમલીકરણ માટે હાકલ કરી હતી.