છત્તીસગઢના ૬૨ જેટલા સંતોને ૫૫૦ વર્ષ જુની રાહને ખતમ થાતી જોવાનું સૌભાગ્ય
અયોધ્યામાં મંદિર પરિસરની અંદર વિશાળ ટેન્ટ બનાવવામાં આવ્યો
રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા માટે અયોધ્યામાં અદ્ભુત શણગારની તૈયારીઓ ચાલી રહી છે. ૨૨ જાન્યુઆરીએ ભારત સહિત વિશ્વ અયોધ્યાનું સાક્ષી બનનાર છે. છત્તીસગઢના લગભગ ૬૨ સંતોને ૫૫૦ વર્ષ જુની રાહને ખતમ થાતી જોવાનું સૌભાગ્ય મળ્યુ છે
છત્તીસગઢથી અયોધ્યા જનાર માટે વ્યવસ્થાનું વિહિપ ટીમે નિરીક્ષણ કર્યું હતું. ત્યારે પ્રદેશ મંત્રી ઘનશ્યામ ચૌધરીએ જણાવેલ કે, અયોધ્યામાં મંદિર પરિસરની અંદર વિશાળ ટેન્ટ બનાવવામાં આવ્યો છે.
તેની અંદર પાર્ટીશન દ્વારા અનેક રૂમ ઉભા કરાયા છે. રહેવાથી લઇને જમવા સુધીની તમામ વ્યવસ્થા એકદમ સુચારૂ છે.
લાઇટીંગ અને શણગાર એકદમ મનમોહક કરવામાં આવ્યા છે. પીવા તથા ન્હાવા માટે ગરમ પાણીની સાથે અહીં આવનારને કોઇ મુશ્કેલી ન પડે તેવું ખાસ ધ્યાન રખાયું છે. ૨૨ જાન્યુઆરીએ આમંત્રીતો જ ઉદ્ઘાટન વિધિમાં સંમલીત થનાર છે, ત્યારે છત્તીસગઢના લોકો માટે ૫ ફેબ્રુઆરીની તારીખ દર્શન માટે આપવામાં આવી છે.
છત્તીસગઢથી ૨ હજાર શ્રધ્ધાળુઓ અયોધ્યા આવનાર છે. જેનો તમામ ખર્ચ તેઓ પોતે જ ઉઠાવનાર છે. વિહિપ દ્વારા મંદિર પરિસરમાં તેમની એન્ટ્રી અને દર્શનની વ્યવસ્થા કરનાર છે. જ્યારે રાયપુરથી મહંત રામસુંદર દાસ, સંત યુધીષ્ઠીર લાલ, મહંત વેદપ્રકાશાચાર્ય, સ્વામી સર્વોત્તમદાસ મહારાજ, રાજીવ લોચન મહારાજ, મહંત દેવદાસ મહારાજ, સૌમ્યા જંધેલ, નરેન્દ્રકુમાર શર્મા અને સુરેશ અગ્રવાલને ૨૨મીએ ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.